ભારત-લક્ઝમબર્ગ સંબંધોમાં નવા અધ્યાયનો પ્રારંભ, વિદેશમંત્રી લક્ઝમબર્ગની મુલાકાતે
નવી દિલ્હી 6 જાન્યુઆરી 2025 : ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર હાલમાં લક્ઝમબર્ગની સત્તાવાર મુલાકાતે છે. યુરોપિયન દેશો સાથે ભારતના વધતા જતા વ્યૂહાત્મક સંબંધોના ભાગરૂપે આ પ્રવાસ અત્યંત મહત્વનો માનવામાં આવી રહ્યો છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને લક્ઝમબર્ગ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત અને ગાઢ બનાવવાનો છે.
ઉચ્ચ સ્તરીય બેઠકોનું આયોજન
પોતાના પ્રવાસ દરમિયાન ડૉ. એસ. જયશંકર લક્ઝમબર્ગના નાયબ પ્રધાનમંત્રી તેમજ વિદેશ મંત્રી સાથે વ્યાપક મંત્રણા કરશે. આ ઉપરાંત તેઓ લક્ઝમબર્ગ સરકારના અન્ય વરિષ્ઠ નેતાઓ અને વહીવટી અધિકારીઓ સાથે પણ મુલાકાત કરીને પરસ્પર હિત ધરાવતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરશે.
દ્વિપક્ષીય સહયોગ પર ભાર
આ યાત્રા દરમિયાન મુખ્યત્વે નાણાકીય ટેકનોલોજી (Fintech) અને સ્ટીલ ક્ષેત્ર, વ્યાપાર અને રોકાણના નવા અવસરો અને પર્યાવરણ અને ગ્રીન એનર્જી ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવશે. આમ લક્ઝમબર્ગ એ યુરોપનું એક મહત્વનું ફાઈનાન્શિયલ હબ હોવાથી, ભારત માટે આ મુલાકાત આર્થિક દ્રષ્ટિએ પણ નિર્ણાયક સાબિત થઈ શકે છે.
ભારતીય સમુદાય સાથે સંવાદ
રાષ્ટ્રીય સ્તરની બેઠકોની સાથે સાથે વિદેશ મંત્રી લક્ઝમબર્ગમાં વસતા ભારતીય સમુદાય (Indian Diaspora) સાથે પણ મુલાકાત કરશે. તેઓ ભારતીયો સાથે સંવાદ સાધીને વિદેશમાં વસતા ભારતીયોના પ્રદાનની સરાહના કરશે અને ભારતની પ્રગતિમાં તેમની ભૂમિકા અંગે ચર્ચા કરશે.
આ મુલાકાતથી યુરોપિયન યુનિયન (EU) સાથે ભારતના સંબંધોને એક નવી દિશા મળશે અને બંને દેશો વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો વધુ મજબૂત બનશે.
વધુ વાંચો: અમદાવાદ: સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓની ઐતિહાસિક સિદ્ધિ


