
ODI વિશ્વકપની ફાઈનલમાં પરાજય બાદ દ્રવિડને આવેલા એક ફોન કોલે ટીમ ઈન્ડિયાનું કિસ્મત બદલ્યું
નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ ભારતના ચાર દિગ્ગજ ખેલાડીઓએ ટીમ છોડી દીધી હતી. જ્યારે વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લીધી, ત્યારે રાહુલ દ્રવિડનો કોચ તરીકેનો કાર્યકાળ પણ સમાપ્ત થયો છે. હવે દ્રવિડે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, 19 નવેમ્બર 2023ના રોજ ઓડીઆઈ વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર્યા બાદ જ તે પદ છોડવા માંગતા હતા, પરંતુ કેપ્ટન રોહિત શર્માના ફોન કોલથી તેમણે પોતાના નિર્ણય પર પુનર્વિચાર કર્યો અને ટી20 વર્લ્ડ કપ સુધી કામ કરવા તૈયાર થયો હતો. હવે દ્રવિડે રોહિતનો આભાર માન્યો છે.
દ્રવિડે કહ્યું કે, જો તેને ભારતીય કેપ્ટન રોહિત શર્માનો ફોન આવ્યો ન હોત અને ODI વર્લ્ડ કપ ફાઇનલમાં હાર બાદ તેને આ પદ પર ચાલુ રાખવાની વિનંતી ના કરી હોત તો તે આ જીતનો ભાગ ન બની શક્યો હોત. દ્રવિડનો કાર્યકાળ ODI વર્લ્ડ કપમાં સમાપ્ત થયો જ્યારે ભારત 10 મેચની જીતની સિલસિલો છતાં ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું, પરંતુ કોચિંગ સ્ટાફને T20 વર્લ્ડ કપના અંત સુધી એક્સટેન્શન મળ્યું હતું.
ભારતની બીજી T20 વર્લ્ડ કપ જીત્યા બાદ દ્રવિડે કોચની ભૂમિકા માટે ફરીથી અરજી કરી નથી. તેમણે શનિવારે ટીમની જીત બાદ કેન્સિંગ્ટન ઓવલ ડ્રેસિંગ રૂમમાં આપેલા ભાષણ દરમિયાન તેને કોચ તરીકે રહેવા વિનંતી કરવામાં રોહિતની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો. દ્રવિડે મંગળવારે બીસીસીઆઈ દ્વારા શેર કરેલા એક વીડિયોમાં કહ્યું કે, રોહિતનો નવેમ્બરમાં મને ફોન કરવા અને મને ચાલુ રાહેવાનું કહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. દ્રવિડે કહ્યું કે, મને લાગે છે કે તમારા બધા સાથે કામ કરવું મારા માટે આનંદની વાત છે, પરંતુ રોહિત તે સમયે મને રોકવા માટે તમારો આભાર.