
ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં માસ્ક અંગે જાગૃતિ લાવવા ઢોલ સાથે વિદ્યાર્થીઓની રેલી નીકળી
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થતાં લોકો ભૂતકાળને યાદકરીને ફરી ડર અનુભવી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા પણ લોકોને કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરીને માસ્ક ફરજિયાતપણે પહેરવા અપિલ કરી છે. પરંતુ લોકો માસ્ક અને અન્ય નિયમો ભૂલી રહ્યાં છે ત્યારે ફરીથી અગાઉની જેમ સંક્રમણ ના ફેલાય તે માટે ગુજરાત યુનિવર્સિટીમાં એક અભિયાન શરુ કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ઢોલ સાથે રેલી કાઢવામાં આવી હતી અને માસ્ક વિના ફરતા લોકોને ઢોલ વગાડીને માસ્ક અંગે જાગૃત કરવામાં આવ્યાં હતા અને તેમને માસ્ક પહેરાવવામાં આવ્યું હતું.
ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આર.જે.ટીબ્રેવાલ કોલેજના NSS યુનિટ અને ગુજરાત યુનિવર્સિટીના લાયબ્રેરી દ્વારા સંયુક્તરીતે વિદ્યાર્થીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
તમામ વિદ્યાર્થીઓએ એક રેલી યોજી હતી જેમાં ઢોલ વગાડીને રેલી કાઢવામાં આવી હતી અને કેમ્પસમાં માસ્ક વિના ફરતા લોકોને માસ્ક પહેરવા જાગૃત કરવામાં આવ્યા હતા અને માસ્ક પહેર્યું હોય તેમને ત્રણ તાળીનું માન આપવામાં આવ્યું હતું. યુનિવર્સિટી લાયબ્રેરીના લાયબ્રેરીયન યોગેશ પારેખે જણાવ્યું હતું કે, કેસ ફરીથી વધી રહ્યા છે જેથી સંક્રમણ ના ફેલાય તે માટે માસ્ક અંગે જાગૃતિ લાવવા ઢોલ સાથે રેલી કાઢવામાં આવી હતી.
લોકોને માસ્ક આપવામાં આવ્યા હતા તથા રસીકરણ અંગે પણ જાગૃતિ આવે તે માટે વિદ્યાર્થીઓને સ્લોગન વાળા બોર્ડ પણ આપવામાં આવ્યા હતા. આ રેલીને વિદ્યાર્થીઓએ સારો એવો સહયોગ આપ્યો હતો. અને કોરોનાની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરીને માસ્ક પહેરવાની ખાતરી પણ આપી હતી. એટલુ જ નહીં જે વિદ્યાર્થીઓ માસ્ક પહેરતા ન હોય તેમને સમજાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેથી સરકાર તથા વિવિધ સંસ્થાઓ દ્વારા રાજ્યની જનતાને માસ્ક પહેરવાની સાથે સામાજીક અંતર જાળવવા સહિત કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા સતત અપીલ કરવામાં આવે છે. રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પણ તમામને કોરોના ગાઈડલાઈનનું પાલન કરીને કોરોના સામેની લડાઈને વધારે મજબુત કરવા માટે યોગદાન આપવા અપીલ કહી રહ્યું છે.