Site icon Revoi.in

પાદરામાં વીજ વાયર તૂટી ગટરના પાણીમાં પડતા ટ્યુશનમાં જતા વિદ્યાર્થીનું વીજ કરંટથી મોત

Social Share

વડોદરાઃ  જિલ્લાના પાદરામાં નગરપાલિકા અને વીજ તંત્રની લાપરવાહીને કારણે 11 વર્ષના ટ્યુશન માટે જઈ રહેલા વિદ્યાર્થીનો ભોગ લેવાયો છે. શહેરમાં ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનો પાસે રોડ પર ગટરના પાણી ભરાયેલા હતા. આ ભરાયેલા ગટરના પાણીમાં વીજ થાંભલાનો જીવતો વાયર તૂટીને પડેલો હતો. ત્યારે એક વિદ્યાર્થી ટ્યૂશનથી ઘરે સાઇકલ લઇને જતો હતો. તે દરમિયાન વીજ કરંટ લાગતા વિદ્યાર્થીનું મોત નિપજ્યુ હતું. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોએ MGVCL અને નગર પાલિકા સામે ભારે રોષ ઠાલવ્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે, પાદરા નગરમાં આવેલી ક્રિષ્ણા રેસીડેન્સીમાં રહેતો 11 વર્ષીય વિદ્યાર્થી નક્ષ જૈમિનભાઇ સોની પાદરાની ઝેન હાઇસ્કૂલમા ધોરણ 5માં અભ્યાસ કરતો હતો. આજે તે ટ્યૂશનમાંથી છૂટી સાઇકલ લઇને ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો પાસેથી પસાર થઇ રહ્યો હતો. ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનો પાસે છેલ્લા કેટલાક સમયથી ગટરના પાણી ભરાયેલા હતા. જેમાં રોડ ઉપરનો વીજ થાંભલાનો જીવતો વાયર તૂટીને પડેલો હતો. વિદ્યાર્થી પાણીમાંથી પસાર થતા જ સ્થળ ઉપર વીજ કરંટ લાગતા મોતને ભેટ્યો હતો.

આ ઘટનાને પગલે સ્થાનિક લોકો એકઠાં થઇ ગયા અને એમ્બ્યુલન્સ બોલાવીને વિદ્યાર્થીને હોસ્પિટલમાં લઇ જવાની કાર્યવાહી હાથ ધરી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, નગરપાલિકા અને જીઈબીના બેદરકારીના આ બાળક ભોગ બન્યો છે. આ અંગે ત્રણ-ચાર દિવસ પહેલા જ MGVCLમાં રજૂઆત કરી હતી. પરંતુ, તંત્રએ ઉંઘ ન ઉડાડતા આ ઘટના બની છે.

આ ઉપરાંત સ્થાનિકોએ પાદરાના વોર્ડ નંબર 3ના ગુજરાત હાઉસિગ બોર્ડ પાસે વર્ષો જૂની ગટરના પાણી અને વરસાદી પાણી ભરાઈ રહેવાની ગંભીર સમસ્યાનો ઉકેલ લાવવા માટે પાલિકામા રજૂઆત કરી હતી. પરંતુ, પાલિકા દ્વારા પણ ભરાતા પાણી માટે કોઇ કાર્યવાહી કરી નથી. પરિણામે માસુમ બાળકનો ભોગ લેવાયો છે.

સ્થાનિકોએ આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસની માંગ સાથે જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાયદેસર પગલાં લેવાની માંગ કરી છે. બીજી બાજુ પાદરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.