
ગાંધીનગર: રાજ્યના રેશનિંગના દુકાનદારોને પુરવઠા વિભાગ દ્વારા સમયસર પુરવઠો ફાળવવામાં આવતો ન હોવાની ફરિયાદો ઉઠી હતી. તુવેરદાળનો તો અડધો જથ્થો ફાળવવામાં આવતો હતો તેથી દુકાનદારોને ગ્રાહકો સાથે માથાકૂટ પણ થતી હતી. આ અંગે રેશનીંગના દુકાનદારોએ પુરવઠા વિભાગમાં રજુઆતો પણ કરી હતી. આથી રેશનિંગના દુકાનદારોને પડતી સમસ્યાઓ ઉકેલવા માટે પુરવઠા વિભાગ દ્વારા કેટલાક નિર્ણય લેવામાં આવશે. જેમાં આગામી સમયથી દરેક જથ્થો એડવાન્સમાં મળે અને તમામ માટે એક જ ચલણ બને તેવી વ્યવસ્થા આગામી દિવસોમાં ગોઠવવામાં આવશે. જેના કારણે રેશનિંગ કાર્ડધારકોને પણ એક સાથે અનાજનો પુરવઠો મળી રહેશે. આ નવી ચલણ વ્યવસ્થા મે મહિનાના અંત સુધીમાં અમલ કરવા માટે રાજ્યના અન્ય નાગરિક પુરવઠા વિભાગ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ મામલે તાજેતરમાં રેશનિંગ દુકાનદારોને સંગઠનના હોદ્દેદારો સાથે મહત્વની બેઠક બોલાવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ રેશનિંગ દુકાનદારોના સંગઠનો સાથે પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મળેલી મિટિંગમાં વિવિધ પ્રશ્નો ઉકેલવા કેટલાક નિર્ણયો કરવામાં આવ્યા હતા. તે મુજબ જુલાઈ માસથી પુરવઠા વિભાગ દ્વારા અનાજનો જથ્થો આગોતરો આપી દેવામાં આવે તેવું માળખું ગોઠવવામાં આવશે. જુલાઇ માટે દાળ અને મીઠાનો સ્ટોક ગોડાઉન પર બ્લોક અગાઉથી રાખવામાં આવશે. દરેક જથ્થાનું ચલણ એક જ બનાવાશે તેના કારણે દુકાનદારોને અલગ ચલણ બનાવવામાંથી મુક્તિ મળશે. ઘઉં-ચોખાનો જથ્થો સો ટકા ફાળવણી મુજબ જ કરવામાં આવશે અને તેમાં કોઈ વધઘટ થઇ શકશે નહીં. આ જથ્થાની સાયકલ દોઢ મહિનાની રાખવામાં આવશે. એકવાર જથ્થાનું ચલણ જનરેટ કર્યા બાદ ચલણ થઈ જશે અને ફરીથી પરમીટ બનાવી નહીં શકાય તેમ પણ એસો. ના હોદ્દેદારો દ્વારા દુકાનદારોને અપાયેલી જાણકારીમાં જણાવાયું છે. જે તે અનાજ માટે પૈસા ભર્યા હશે તેનો જથ્થો પુરવઠા નિગમ દ્વારા આપવામાં આવશે.
પુરવઠા વિભાગના સૂત્રોએ ઉમેર્યું હતું કે, મે મહિનાના અંત પૂર્વે જ નવી ચલણ પદ્ધતિ શરૂ કરી દેવા તૈયારી કરવામાં આવશે. જેમાં દુકાનદારોને પરમીટના ઓછામાં ઓછા 50 ટકા અને મહત્તમ 100 ટકા મુજબ ચલણ ભરવાનો વિકલ્પ અપાયો છે. પુરવઠા નિગમ દ્વારા ચલણની તારીખે ઉપલબ્ધ જથ્થા મુજબ કોમોડિટી વાઇઝ પરમીટ આપવામાં આવશે.