1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વિદ્યાર્થીઓને અઘરા લાગતા ગણિત વિષયને ગીતોના માધ્યમથી સરળતાથી સમજાવતા જૂનાગઢના શિક્ષક
વિદ્યાર્થીઓને અઘરા લાગતા ગણિત વિષયને ગીતોના માધ્યમથી સરળતાથી સમજાવતા જૂનાગઢના શિક્ષક

વિદ્યાર્થીઓને અઘરા લાગતા ગણિત વિષયને ગીતોના માધ્યમથી સરળતાથી સમજાવતા જૂનાગઢના શિક્ષક

0
Social Share

અમદાવાદઃ સામાન્ય રીતે વિદ્યાર્થીઓ ગણિત- વિજ્ઞાન જેવા કહેવાતા અઘરાં વિષયથી દૂર ભાગતા હોય છે, પરંતુ જો તેને રોજબરોજના જીવન અને પ્રવૃત્તિઓ સાથે જોડવામાં આવે તો તેને ખૂબ સરળ બનાવી શકાય છે. તેવું જ કંઈક કરવામાં સફળતા મેળવી છે શાપુર પે. સેન્ટર શાળાના શિક્ષક કૃણાલકુમાર મારવણીયાએ તે સાબિત કરી બતાનવ્યું છે. તેઓ  વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન વિષયના જટિલ સિદ્ધાંતો પણ શિરાની માફક ગળે ઉતરી જાય તેવી પદ્ધતિથી શિક્ષણ કાર્ય કરી રહ્યા છે. છેલ્લાં બારેક વર્ષથી શિક્ષણકાર્ય કરી રહેલા શિક્ષક કૃણાલકુમાર મારવણીયા ગણિત વિષયને વિદ્યાર્થીઓ જ્ઞાન-ગમ્મત સાથે શીખી શકે તે માટે ત્રિકોણ, બહુકોણ, સંમેય સંખ્યા વગેરેને સાંકળીને 20 જેટલા ગણિતના ગીતો રચ્યાં છે. મારવણીયા ગણિત ભણાવતી વખતે ગીતો ગાય છે અને વિદ્યાર્થીઓ હોશે હોશે શીખે પણ છે. તેમણે બાળગીત, ફિલ્મીગીત, ભજન, ધૂનના ઢાળમાં આ ગીતોની રચના કરી છે.

ઉપરાંત તેમણે વિજ્ઞાન વિષયના સૂર્યમંડળ, વૃક્ષો-વનસ્પતિ ઓળખીએ, વિટામિન યુક્ત ખોરાક, આહાર કડી વગેરે પ્રકરણો ઉપર હાર્ડબોર્ડની ગેમ્સ બનાવી છે. અન્ય વિષયોની અધ્યયન નિષ્પત્તિ આધારિત મોબાઈલ, ટેબલેટ, કોમ્પ્યુટર ઉપર રમી શકાય તેવી ડિજિટલ ગેમ્સ પણ બનાવી છે. શિક્ષક કૃણાલકુમાર મારવણીયાએ જણાવ્યું હતું કે, ગણિત- વિજ્ઞાન વિષય ચોપડી બંધ કરીને ભણાવવાના વિષય છે એટલે કે, પ્રવૃત્તિઓ સાથે જેટલું શિક્ષણ કાર્ય કરવામાં આવે તેટલું વિદ્યાર્થીઓ વધારે સારી રીતે ગ્રહણ કરી શકે છે. ખરેખર આ વિષય શીખવી શકાતા નથી, વિદ્યાર્થીઓ સ્વયં જાતે જ શીખે તો શીખવવામાં ઝડપથી સફળતા મળે છે. એટલે અમારા પ્રયાસ એવા હોય છે કે, વિદ્યાર્થી દરેક પ્રયોગ – દાખલો જાતે કરતો થાય તે માટે દોરવણી આપીએ છીએ અને વિદ્યાર્થીના મનમાં જિજ્ઞાસા પણ પેદા કરીએ છીએ. આ માટે જુદા-જુદા મોડેલ્સ અને અન્ય પ્રવૃત્તિના માધ્યમથી વિદ્યાર્થીના મગજને શિક્ષણકાર્યમાં રસપ્રદ રીતે સક્રિય કરવાનું એક પ્રયાસ કરીએ છીએ. તેમણે શિક્ષણને પ્રવૃત્તિ સાથે જોડવા માટે કાગળ, લાકડા, પ્લાસ્ટિકના બોક્સ વગેરેમાંથી હેન્ડમેડ મોડલ પણ બનાવ્યા છે. ઉપરાંત સામાન્ય જ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી વિષયના જ્ઞાનમાં વૃદ્ધિ કરતી ક્વીઝ ગેમ્સ પણ બનાવી છે.

શિક્ષણકાર્ય માટે તનતોડ મહેનત કરતા કૃણાલકુમાર મારવણીયા વિદ્યાર્થીઓ માટે ‘Education Li’ નામે બ્લોગ પણ લખે છે, ‘Math Magic by Marvaniyasir’ નામની યુ ટ્યુબ ચેનલ પણ ચલાવે છે. ઉપરાંત તેમણે કોરોના કાળ દરમિયાન ફેસબુક-ઈન્સ્ટાગ્રામ પર ‘વિજ્ઞાન રહસ્ય’ નામની સિરીઝ પણ ચલાવી હતી. જેમાં એક ફોટા સાથે વિજ્ઞાનના રહસ્યો સમજાવતી જાણકારી પણ આપતા હતા. આ જાણકારી આપતા તેમણે કહ્યુ કે, શિક્ષણ માટેની આ કામગીરીમાં જિલ્લાના શિક્ષણ વિભાગના અધિકારીઓ, શાપુર પે. સેન્ટરના શાળાના આચાર્ય અને સહકર્મી શિક્ષકગણનો ખૂબ સહકાર પ્રાપ્ત થયો છે.

ફિઝિક્સ અને એજ્યુકેશનમાં અનુસ્નાતક થયેલા કૃણાલકુમાર મારવણીયા સ્ટેટ રિસોર્સ પર્સન તરીકે પણ સેવા આપે છે. રાજ્યકક્ષાના અનેક ઇનોવેશન ફેસ્ટિવલ્સમાં તેમની કૃતિઓ રજૂ થઈ છે. આ તેમની શિક્ષણકાર્ય માટેની લગન અને પ્રતિબદ્ધતા માટે રાજ્ય સરકાર, જિલ્લા વહીવટી તંત્ર અને અન્ય નાની-મોટી સંસ્થાઓએ તેમને સન્માનિત પણ કર્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code