1. Home
  2. ગુજરાતી
  3. અમેરિકામાં બે અલગ-અલગ વિમાન દુર્ઘટનામાં કુલ 10 લોકોનાં મોત
અમેરિકામાં બે અલગ-અલગ વિમાન દુર્ઘટનામાં કુલ 10 લોકોનાં મોત

અમેરિકામાં બે અલગ-અલગ વિમાન દુર્ઘટનામાં કુલ 10 લોકોનાં મોત

0
Social Share

ન્યૂયોર્ક, 14 ફેબ્રુઆરી 2026: અમેરિકાના કોલોરાડો અને નોર્થ કેરોલિના રાજ્યમાં સર્જાયેલા બે અલગ-અલગ વિમાન અકસ્માતોમાં કુલ 10 લોકોએ જીવ ગુમાવ્યા છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને સ્થાનિક સત્તાવાળાઓએ આ અંગે સત્તાવાર માહિતી આપી છે. કોલોરાડો રાજ્યના સ્ટીમબોટ સ્પ્રિંગ્સમાં ‘એપિક એરક્રાફ્ટ E-1000’ નામનું નાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ સિંગલ એન્જિન ધરાવતું, 6 સીટર હળવું ટર્બોપ્રોપ વિમાન શુક્રવારે સ્થાનિક સમય અનુસાર બપોરે 12:20 વાગ્યે એમરાલ્ડ માઉન્ટેન પાસે ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે. અમેરિકન નેશનલ ટ્રાન્સપોર્ટ સેફ્ટી બોર્ડ હાલમાં અકસ્માતના કારણોની તપાસ કરી રહ્યું છે. સત્તાવાળાઓ હાલ મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયામાં છે. બીજી તરફ, નોર્થ કેરોલિનાના સ્ટેટ્સવિલેમાં એક નાનું જેટ વિમાન લેન્ડિંગ વખતે દુર્ઘટનાગ્રસ્ત થતાં સાત લોકોના મોત થયા છે. આ અકસ્માત સ્ટેટ્સવિલે રિજનલ એરપોર્ટ પર ગુરુવારે સવારે 10:20 વાગ્યે (ઇસ્ટર્ન ટાઇમ) થયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં ‘નાસ્કાર’ (NASCAR) ના ભૂતપૂર્વ ડ્રાઈવર ગ્રેગ બિફલ, તેમની પત્ની અને બે બાળકોનો સમાવેશ થાય છે. સેસના C-550 જેટ વિમાને એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી, પરંતુ થોડી જ વારમાં પરત ફરીને લેન્ડ કરવાનો પ્રયાસ કરતી વખતે તે રનવે પર ક્રેશ થયું હતું અને તેમાં ભીષણ આગ લાગી હતી. ઘટનાના વીડિયોમાં જોઈ શકાય છે કે બચાવ ટુકડીઓ રનવે તરફ દોડી રહી હતી, પરંતુ આગ એટલી ભયાનક હતી કે વિમાનનો કાટમાળ રાખ થઈ ગયો હતો. એરપોર્ટ મેનેજર જોન ફર્ગ્યુસને જણાવ્યું હતું કે, જ્યાં સુધી રનવે પરથી કાટમાળ હટાવીને તેને સુરક્ષિત જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી એરપોર્ટ તમામ કામગીરી માટે બંધ રહેશે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને તપાસનો દોર પોતાના હાથમાં લીધો છે.

વધુ વાંચોઃ પુલવામાના શહીદોની વીરતા દરેક ભારતીય માટે પ્રેરણા: નરેન્દ્ર મોદી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code