Site icon Revoi.in

અસરગ્રસ્ત જિલ્લાઓના કુલ 32 લાખથી વધુ ખેડૂતોને રૂ. 9.466 કરોડથી વધુ સહાય ચૂકવાઈ

Social Share

ગાંધીનગર, 21 જાન્યુઆરી 2026:  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ કૃષિ રાહત પેકેજની પ્રગતિની સમીક્ષા કરી હતી. જે અંગે વિગતો આપતા પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, કૃષિ રાહત પેકેજ હેઠળ ખેડૂતોને સહાય આપવા માટે અત્યાર સુધીમાં ૩૨ લાખથી વધુ ખેડૂતોના કુલ રૂ. ૯,૫૧૬ કરોડના ઓનલાઇન બીલો તૈયાર કરવામાં આવ્યા છે. જે પૈકી આજની સ્થિતિએ કુલ ૩૨.૪૯ લાખ ખેડૂતોને કુલ રૂ. ૯,૪૬૬ કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે.

આ બાબતે વિગતો માહિતી આપતાં પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, ઓક્ટોબર ૨૦૨૫માં થયેલા કમોસમી વરસાદ સંદર્ભે ૩૩ જિલ્લાઓમાંથી ૩૦,૦૬,૮૬૫ લાભાર્થીના રૂ. ૮,૬૧૦ કરોડના ઓનલાઈન બિલો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં આજની સ્થિતિએ ૨૯,૯૩,૬૮૯ ખેડૂતોને કુલ રૂ. ૮,૫૭૧ કરોડની સહાય ચૂકવવામાં આવી છે.

પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, સપ્ટેમ્બર ૨૦૨૫માં થયેલા ભારે વરસાદથી અસરગ્રસ્ત પાંચ જિલ્લાઓમાંથી ૨,૩૪,૩૮૬ લાભાર્થીના કુલ રૂ. ૭૯૨ કરોડના ઓનલાઈન બિલો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં આજની સ્થિતિએ ૨,૩૩,૭૭૭ ખેડૂતોને કુલ રૂ. ૭૯૧.૧૯ કરોડની સહાય ચૂકવવામાં આવી છે.

જમીન સુધારણા અંગે માહિતી આપતાં પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે,  આ અંગે કુલ ૪૧,૭૭૭ ખેડૂતોની અરજી મળી હતી. જેમાંથી ૩૪,૬૧૫ લાભાર્થીઓના રૂ. ૧૧૩.૦૧ કરોડના ઓનલાઈન બિલો તૈયાર કરાયા છે. મંજૂર કરેલા કુલ ૩૧,૯૫૮ ખેડૂતોને કુલ રૂ. ૧૦૪.૩૭ કરોડની સહાયની ચૂકવણી કરવામાં આવી હતી.

Exit mobile version