
ડભોઈના પલાસવાડા પાસે ટ્રેન પસાર થાય તે પહેલા જ ટ્રકે ફાટક તોડ્યું, મોટી દુર્ઘટના ટળી
વડોદરાઃ જિલ્લાના ડભોઈ નજીક પલાસવાડા પાસે ટ્રેન આવી રહી હોવાથી રેલવેનું ફાટક બંધ હતું તે દરમિયાન પુરફાટ ઝડપે આવેલી ટ્રક બંધ કરેલા ફાટક સાથે અથડાતા ફાટક ધરાશાયી થઈ ગયું હતું. જેથી ત્યાં હાજર લોકોએ ફાટકને હાથમાં પકડી ટ્રેનને પસાર કરાવી હતી. તેમજ લોકોની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ ભરૂચ જિલ્લાના ડભોઈ નજીક પલાસવાડા પાસે ગત રાત્રે સાડા નવ વાગ્યે બરોડા એક્સપ્રેસ રેલવેના ફાટક પાસેથી પસાર થવાની હતી. આ માટે ગેટમેન દ્વારા ફાટક બંધ કરવામાં આવ્યું હતું. દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા એક ટ્રક ચાલકે ટ્રકને ફાટક સાથે અથડાવતા ફાટક તૂટી ગયુ હતું. એક તરફ ટ્રેન આવી રહી હતી અને બીજી તરફ ટ્રકે ફાટક તોડી નાખતા મોટી દુર્ઘટના સર્જાઇ તેવી સ્થિતિ ઉભી થઇ હતી. ત્યારે ત્યાં હાજર લોકોએ સતર્કતા વાપરી તૂટેલા ફાટકને ટ્રેક પરથી હટાવી હાથમાં પકડી રાખી ટ્રેનને પસાર કરાવી હતી. આ ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ પણ ત્યાં પહોંચી હતી અને ટ્રક ડ્રાઇવરની મોટી બેદરકારી બદલ તેની અટકાયત કરીને તેની સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ગત રાત્રે ફાટક તૂટી જતાં હવે ત્યાંથી ટ્રેનો પસાર કરવામાં વિલંબ થઇ રહ્યો છે, જેથી આ રૂટ પરથી પસાર થઇ રહેલી ટ્રેનો 10થી 15 મિનિટ લેટ ચાલી રહી હતી. રેલવે અધિકારીઓએ પણ સ્થાનિક લોકોને બીરદાવ્યા હતા. લોકોએ સતર્કતા દાખવીને ટ્રેનને પસાર કરાવી હતી.