જામનગરના મસીતિયા ગામે અનોખી અશ્વદોડ, વિજેતા અશ્વસવારોનું સાફો પહેરાવી સન્માન કરાયું
જામનગરઃ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અશ્વ દોડનું આજે પણ વિશેષ મહત્વ છે. કાઠીયાવાડમાં જુદા જુદા સ્થળોએ અસ્વદોડ હરિફાઈ યોજાતી હોય છે. તાજેતરમાં જામનગરના મસીતીયા ગામમાં અશ્વદોડનું આયોજન કરાયું હતું, જેમાં સૌરાષ્ટ્રભરમાંથી અશ્વ સવારોએ દોડમાં ભાગ લીધો હતો. આ દોડનું વિશેષ મહત્વ એ છે કે, અહીં વિજેતા થનારા અશ્વના સવારને ઈનામમાં કોઈ મોટી રકમ નથી મળતી. ફક્ત વિજેતા અશ્વ સવારનું સાફો પહેરાવી સન્માન કરવામાં આવે છે. પરંતુ, અહીં દોડમાં જે અશ્વ વિજેતા થાય છે તેની કિંમતમાં વધારો થઈ જતો હોય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ જામનગર તાલુકાના મસીતીયા ગામમાં આવેલી હઝરત કમરુદ્દીન શાહ બાબાની દરગાહના ઉર્ષ નિમિતે દર વર્ષે અશ્વદોડનું આયોજન કરવામાં આવે છે. ધુળેટીના દિવસે જ યોજાતી અશ્વદોડ નિહાળવા માટે જામનગરથી પણ મોટી સંખ્યામાં લોકો મસીતીયા પહોચ્યા હતા. અશ્વદોડ ઉપરાંત ઊંટગાડીની દોડનું પણ આયોજન કરાયુ હતુ. અશ્વદોડમાં અહીં અરબી, કાઠિયાવાડી અને વછેરાની કેટેગરી મુજબ દોડ યોજવામાં આવી હતી. અહીં દોડમાં ભાગ લેવા માટે અશ્વસવાર અનેક મહિનાઓથી તૈયારીઓ કરતા હોય છે. સૌરાષ્ટ્રભરમાંથી 18 જેટલા અશ્વસવારોએ ભાગ લીધો હતો.
સામાન્ય રીતે કોઈ સ્પર્ધામાં ઈનામની મોટી રકમ હોય તો સ્પર્ધકો ભાગ લેવા માટે પડાપડી કરતા હોય છે. પરંતુ, મસીતીયા ગામમાં યોજાતી અશ્વ દોડમાં ઈનામની કોઈ મોટી રકમ નથી હોતી. જે અશ્વનો નંબર આવે તેના સવારને ફક્ત એક સાફો પહેરાવીને સન્માન કરવામાં આવે છે. પરંતુ, મસીતીયા ગામની રેસમાં જે અશ્વનો નંબર આવે તે અશ્વની કિંમતમાં વધારો થઈ જતો હોય અશ્વસવારો અહીં પોતાના અશ્વનો નંબર આવે તે માટે પૂરતી તાકાત લગાવી દેતા હોય છે.