Site icon Revoi.in

રાજકોટના હડમતીયા ગામ નજીક તળાવમાં નહાવા પડેલો યુવાન ડૂબી ગયો

Social Share

રાજકોટઃ શહેર નજીક કુવાડવા રોડ ઉપર હડમતીયા ગામ પહેલા આવેલી વીળીવાળા પીરની દરગાહમાં યોજાયેલા ઉર્ષના કાર્યક્રમમાં ભાગ લેવા ગયેલો રાજકોટનો યુવાન દરગાહ નજીક આવેલા તળાવમાં નાહવા પડ્યો હતો, તેની સાથે અન્ય એક યુવાન પણ નાહવા માટે તળાવમાં પડ્યો હતો. દરમિયાન બન્ને યુવાનો ડુબવા લાગ્યા હતા. તળાવના કાંઠે રહેલા અન્ય લોકોએ દોડીને એક યુવાનને બચાવી લીધો હતો. જ્યારે રાજકોટના યુવાનનું ડૂબી જતા મોત નિપજ્યું હતુ.

રાજકોટ શહેર નજીક કૂવાડવા રોડ પર હડમતીયા ગામ પહેલા વીળીવાળા પીરની દરગાહ આવેલી છે. જ્યાં આજે બપોરે ઉર્ષ મુબારકનો કાર્યક્રમ હતો. તે દરમિયાન જંગલેશ્વરમાં રહેતો એક યુવાન પોતાના મિત્રો સાથે ત્યાં ગયો હતો. તે વખતે આ યુવાન આ દરગાહની પાછળ આવેલા તળાવમાં નાહવા ગયો હતો. જોકે, આ દરમિયાન યુવાન ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને તેને કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના જંગલેશ્વરના ગાંધી સોસાયટી મેઇન રોડ ઉપર બગદાદી ગેટ પાસે રહેતો 19 વર્ષિય યુવાન શાહબાજ સલીમ કારેટ તેના મિત્રો સાથે બપોરે કુવાડવા રોડ ઉપર હડમતીયા ગામ પહેલા આવેલી વીળીવાળા પીરની દરગાહ ખાતે પહોંચ્યો હતો. જ્યાં ઉર્ષ મુબારકનો કાર્યક્રમ હોવાથી આ યુવાન પોતાના મિત્રો સાથે ત્યાં ગયો હતો. જે દરમિયાન દરગાહની પાછળ આવેલા તળાવમાં આ યુવાન મિત્રો સાથે નાહવા ગયો હતો. જોકે થોડીવારમાં શાહબાજ ડૂબવા લાગ્યો હતો અને તેનો મિત્ર પાણીમાં ગરકાવ થઈ રહ્યો હતો. જોકે, આસપાસના લોકોએ તેના મિત્રને બચાવી લીધો હતો, પણ શાહબાજ ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સને ફોન કરવામાં આવ્યો હતો. યુવાનનો પરિવાર ત્યાં પહોંચે તે પહેલા જ આ યુવાન તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જે દરમિયાન રેલ નગર ફાયર બ્રિગેડ ઓફિસ ખાતેથી એક ફાયર ફાઈટર ત્યાં પહોંચ્યું હતું અને આ યુવાનની શોધખોળ હાથ ધરી હતી. જોકે, થોડા સમય બાદ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો, જેથી તેને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ યુવાનના મૃત્યુથી પરિવારમાં શોક ફેલાઈ ગયો હતો.

Exit mobile version