જામનગર,13 જાન્યુઆરી 2026: જિલ્લાના કાલાવડ શહેરમાં હેલીપેડ સોસાયટી વિસ્તારમાં એક વ્યક્તિ પેરાશૂટ સાથે આકાશમાંથી વીજ વાયર પર પડ્યો હતો, જેનો વીડિયો વાયરલ થયો છે. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. 100 ફૂટની ઊંચાઈએથી પડ્યા બાદ યુવક નાસી ગયો હતો. આ યુવક કોણ હતો ને ક્યાંથી આવ્યો દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, જામનગર જિલ્લાના કાલાવડ શહેરના મછલીવડ ચોકડી પાસે આવેલી હેલીપેડ સોસાયટી વિસ્તારમાં એક યુવક લગભગ 100 ફૂટની ઊંચાઈએથી પેરાશૂટ સાથે નીચે આવી જતાં તે સમયે પેરાશૂટ અચાનક વીજ વાયર સાથે ફસાઈ જતા યુવક નીચે પટકાયો હતો. આ બનાવનો લોકોએ પોતાના મોબાઈલ ફોનમાં વિડિયો ઉતાર્યો હતો. યુવાન નીચે પટકાયા બાદ નાસી ગયો હતો.
આ બનાવની જાણ થતાં કાલાવડ પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આ વ્યક્તિ કોણ છે, તેણે ક્યાંથી ઉડાન ભરી હતી અને કઈ દિશામાં જવાનું હતું તે અંગેની પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ હાલ એ પણ તપાસ કરી રહી છે કે પેરાશૂટ પહેરીને ઉડાન ભરવાનું કારણ શું હતું. સમગ્ર મામલે અલગ-અલગ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે અને પેરાશૂટથી ઉડાન ભરનાર વ્યક્તિની શોધખોળ કરવામાં આવી રહી છે.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે. આસપાસના લોકોએ અગાસી પરથી પેરાશૂટ ઉડાવતો અને પછી જમીન પર પટકાયો તેનો વીડિયો ઉતાર્યો હતો. રસ્તા પર લોકોની અવરજવર હોવાથી થોડા સમય માટે લોકો આ દ્રશ્ય જોવા ઉમટી પડ્યા હતા, જોકે પેરાશૂટ સાથે પડેલો યુવાન ત્યાંથી જતો રહ્યો હતો.

