Site icon Revoi.in

વડોદરામાં વાઘોડિયા રોડ પર ડમ્પરની અડફેટે સ્કૂટરચાલક યુવતીનું મોત

Social Share

વડોદરાઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ શહેરના વાઘોડિયા રોડ પર બન્યો હતો. શહેરના વાઘોડિયા રોડ પર વૃંદાવન ચાર રસ્તા નજીક એક ડમ્પર ચાલકે સ્કૂટરને અડફેટે લેતા  સ્કૂટરચાલક યુવતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. આ બનાવને પગલે લોકટોળાં ઉમટી પડ્યા હતા.અક્સામતના બનાવની જાણ થતા કપુરાઈ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ડમ્પર ચાલકની અટકાયત કરી હતી.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, વડોદરા શહેરના વાઘોડીયા રોડ પર વૃંદાવન ચાર રસ્તા નજીક એક ડમ્પર ચાલકે સ્કૂટરને અડફેટે લેતા  સ્કૂટરચાલક યુવતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. સ્કૂટર પર જઈ રહેલી યુવતી MS યુનિવર્સિટીના બેન્કિંગ ડિપાર્ટમેન્ટમાં ટેમ્પરરી આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતી 26 વર્ષથી આયુષી હિમાંશુભાઈ શુકલ (રહે. વૈકુંઠ-1, બાપોદ જકાતનાકા, વડોદરા) હોવાનું જાણવા મળ્યું છે.  ભારે વજનના સિમેન્ટ મિક્ષર ટ્રકના ચાલકે સ્કૂટરને અડફેટે લેતા યુવતીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે લોકટોળાં ઉમટી પડ્યા હતા અને લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. અકસ્માતની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રક ડ્રાઈવર અશ્વિનજી માનાજી ઠાકોરની અટકાયત કરી હતી અને સિમેન્ટ મીક્ષર ટ્રકને કબજે લીધું હતું. વૃંદાવન ચાર રસ્તા પાસે હાલ બ્રિજની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી માટે જ સિમેન્ટ મિક્સર ટ્રક જઈ રહ્યો હતો. કપુરાઇ પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

શહેરમાં પૂરફાટ ઝડપે અને બેફામ ભારદારી વાહનોની અડફેટે લોકો પોતાના જીવ ગુમાવે છે, ત્યારે આ બાબતે કડક કાર્યવાહીની સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે.  બે મહિના પહેલા જ વડોદરા શહેરના વાઘોડિયા બ્રિજ નીચે એક્ટિવા લઈને કોલેજે જઈ રહેલી 17 વર્ષની વિદ્યાર્થિનીને પિકઅપ વાને અડફેટે લેતાં ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત બાદ પિકઅપ વાનનો ચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.