Site icon Revoi.in

સોનાના ભાવમાં અસામાન્ય વધારો થતાં અખાત્રીજે ખરીદીમાં ઘટાડો થશે

Social Share

અમદાવાદઃ સોનાના ભાવમાં અસામાન્ય વધારો થયો છે. પ્રતિ 10 ગ્રામના ભાવ એક લાખ રૂપિયાને વટાવી ગયા છે. એમાં જીએસટી અને ઘડામણના ભાવ ઉમેરીએ તો એક તોલા સોનાના દાગીનાનો ભાવ 1.10 લાખ વધુ થાય એટલે સોનામાં અસહ્ય ભાવને લીધે ખરીદી ઘટી છે. અખાત્રીજ અટલે શુભકાર્ય માટેનું વણજોયુ મુહૂર્ત. અખાત્રીજે લોકો મુહૂર્ત અને શુકન માટે પણ સોના ચાંદીની ખરીદી કરતા હોય છે. પણ સોનાના અસહ્ય ભાવને લીધે  અખાત્રીજની શુભ ખરીદી માટે બુકિંગ તો ઠીક પણ આ વખતે તો ઈન્કવાયરી આવતી નથી. અમદાવાદના જવેલર્સમાં હાલ મંદીનો માહોલ ચાલી રહ્યો છે.

ગુજરાતમાં હાલ લગ્નગાળાની સીઝન ચાલી રહી છે. લગ્નોમાં ભેટ-સોગાદ આપવા માટે સોનાની ખરીદી થતી હોય છે. તેમજ અખાત્રીજનો દિન સોનું ખરીદવા માટે શુભ દિન ગણાતો હોવાથી લાખો રૂપિયાની સોનાની ખરીદી થતી હોય છે. પણ આ વખતે સોનાના અસહ્ય ભાવને લીધે ખરીદી ઘટતા જ્વેલર્સને નવરા બેસી રહેવાનો વારો આવ્યો છે. છેલ્લા  4 વર્ષમાં સોનાના ભાવ લગભગ બમણાં થઈ જતાં સોનું ખરીદવાવાળા કરતાં વેચનારાની સંખ્યામાં વધી છે. સોનામાં અને ચાંદીમાં દિવસેને દિવસે ભાવમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદના જ્વેલર્સના કહેવા મુજબ અખાત્રીજના દસથી પંદર દિવસ પહેલાથી બુકિંગ શરૂ થઇ જતા હોય છે. ચાલુ વર્ષે હજુ કોઇ જ ઇન્કવાયરી શરૂ થઇ નથી. સોનાના ભાવ ઐતિહાસિક રૂ. 1.03 લાખ સુધી પહોંચી ગયા છે. જ્યારે ચાંદી પણ એક લાખ સુધી જઇને રૂ. 98 હજારે સ્થિર થઇ છે. હવે આ ભાવે અખાત્રીજમાં સોનાની ખરીદી નીકળશે કે નહીં તેની ચિંતા છે.

અમદાવાદ જ્વેલર્સ એસોના સૂત્રોના કહેવા મુજબ  સોનાના ભાવમાં વધારોને લીધે અખાત્રીજની ખરીદી નહીંવત રહેશે એવું લાગી રહ્યું છે. આટલા વર્ષોમાં પહેલી વખત વધેલા ભાવથી ચિંતા થઇ રહી છે. અખાત્રીજના એડવાન્સ બુકિંગ થયા નથી ઉલટાનું ઘણા લોકો સોનું વેચવા આવી રહ્યાં છે. ખરીદી નહીંવત થઇ રહી છે. રોકાણકારોને 4 વર્ષમાં સોનાએ 100% રિટર્ન આપ્યું  છે. આંકડા પર નજર કરીએ તો 4 વર્ષ પહેલા 14 મે 2021એ અખાત્રીજે સોનાનો ભાવ રૂ. 49,100 પ્રતિ દસ ગ્રામનો હતો. જે અત્યાર રૂ. 1 લાખ થઇ ગયો છે. એટલે કે સોનામાં 100 ટકા રિટર્ન ચાર વર્ષમાં મળ્યું છે.

Exit mobile version