
અમદાવાદ: શહેરમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારે ધો. 6થી 12 અને કોલેજોને ઓફલાઈન શિક્ષણની મંજુરી આપતા શાળા-કોલેજોમાં રાબેતા મુજબનું શિક્ષણ કાર્ય શરૂ થઈ ગયું છે. ત્યારે કેટલીક શાળાઓ પાસે ફાયર એનઓસી જ નથી. અકસ્માતની ઘટના ક્યારેય કહીને બનતી નથી અને જો એ ઘટના અંગે સાવચેતી ના રાખવામાં આવે તો તે દુર્ઘટના પણ બની શકે છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં આગ અકસ્માતની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે જ્યારે કોઈ મોટી ઘટના બને ત્યારે તંત્ર ફાયર NOC વગરની મિલકતોને નોટિસો ફટકારવામાં લાગી જાય છે. પણ જેવી ઘટના શાંત પડે કે, ફરી પાછી સ્થિતિ જૈસે થે જેવી બની જાય છે. આવું જ કંઈક જોવા મળી રહ્યું છે અમદાવાદની શાળાઓની સ્થિતિમાં. અમદાવાદ ફાયર વિભાગના નોંધાયેલી વિગતો મુજબ અમદાવાદની 2400 જેટલી શાળાઓમાંથી માત્ર 1700 જેટલી શાળાઓ પાસે જ ફાયર NOC છે. હજુએ 700 જેટલી શાળાઓ પાસે ફાયર NOC નથી.
શહેરના ફાયર વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં અંદાજે 4 હજાર ટ્યુશન કલાસીસ પણ ફાયર NOC વિના ધમધમી રહ્યા છે. કોરોનાના કેસ ઘટતા રાજ્યના શિક્ષણ વિભાગે તબક્કાવાર ફરીવાર શાળાઓ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. હાલ ધોરણ 6થી 8 અને ધોરણ 9થી 12ની શાળાઓ શરૂ થઈ ગઈ છે અને હવે સરકાર અન્ય ધોરણોના વર્ગો પણ શરૂ કરવાનું વિચારી રહી છે. કોરોનાને લઈને તો શાળાના સંચાલકોએ સેફટી પ્રિકોશન અનુસર્યા. પણ જ્યારે ફાયરની વાત આવે ત્યારે શાળાના સંચાલકો નિયમોને નેવે મૂકી દેતા હોય છે.
શહેરમાં અંદાજે 2400 શાળાઓ છે તેમાંથી 1700 શાળાઓ પાસે ફાયર NOC છે. અન્ય 700 શાળાઓએ હજુ ફાયર NOC મેળવી નથી. તેવી જ રીતે શહેરમાં અંદાજે 4 હાજર જેટલા ટ્યુશન કલાસીસ છે જેઓ પાસે ફાયર NOC નથી. બીજું કે અમદાવાદ જિલ્લા શિક્ષણ કચેરીના સૂત્રો જણાવે છે કે, થોડા સમય પહેલા સરકાર દ્વારા 9મીટર સુધીની ઊંચાઈ ધરાવતી શાળાઓએ ફાયર NOCની જરૂર નથી તેવો નિર્ણય કરાયો હતો. છતાં એ બાબતની જાણ પણ ફાયર વિભાગને કરવાની હોય છે જે જાણ કરવામાં આવી નથી.
મહત્વનું છે કે, અનેકવાર શાળાઓને ફાયર NOC લેવાની તાકીદ તો કરવામાં આવે છે પણ આ શાળાના સંચાલકોને જાણે કોઈ અસર જ થતી નથી અને એ જ કારણ છે કે, આ શાળાઓ પાસે હજુ પણ ફાયર NOC નથી. તો સુરતમાં તક્ષશિલા અગ્નિ કાંડ જેવી ઘટના પણ બની ચુકી છે છતાં ટ્યૂશન કલાસ સંચાલકો પણ જાગૃત થતા નથી.