Site icon Revoi.in

રીબડા ફાયરિંગ કેસમાં ફરાર આરોપી હાર્દિકસિંહને કેરળમાંથી પકડીને અમદાવાદ લવાયો

Social Share

અમદાવાદઃ રાજકોટ જિલ્લાના રીબડામાં આવેલા અનિરૂદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલપંપ ઉપર ફાયરિંગના કેસમાં મોસ્ટ વોન્ટેડ હાર્દિક સિંહ જાડેજાને સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે કેરળના એક બારમાંથી લઈને અમદાવાદ લવાયો છે. ખૂંખાર આરોપીને દોરડા બાંધીને ગુજરાત લવાયો છે. અહીં તેની ગોળીબાર અને અન્ય ગુનાની સંડોવણી અંગે પૂછપરછ કરવામાં આવશે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ  આરોપી હાર્દિકસિંહ જાડેજા અત્યાર સુધી ગુમ હતો અને 10થી વધુ રાજ્યોમાં ફરી રહ્યો હતો. જોકે, ગોળીબાર કેસમાં સઘન તપાસમાં તે કેરળમાં મદુરાઈ બારમાં હોવાની બાતમી મળી હતી. જોકે, ત્યાંથી તે કેરળ જતો રહ્યો હતો. બાદમાં SMCની ટીમે કેરળથી તેની ધરપકડ કરી હતી. આરોપી હાર્દિક સિંહ જાડેજાને હાથકડીના બદલે દોરડા વડે બાંધીને અમદાવાદ લાવવામાં આવ્યો હતો.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રીબડામાં પેટ્રોલપંપ પર થયેલા ફાયરિંગના ચર્ચાસ્પદ કેસમાં હાર્દિકસિંહની સંડોવણી ખુલી હતી. ફાયરિંગના થોડા સમય બાદ જ તેણે સોશિયલ મીડિયા ઉપર ફાયરિંગ કર્યાની કબૂલાત કરી હતી. જેથી ગોંડલ તાલુકા પોલીસ, LCB, SOG સહિતની ટીમો તેની શોધખોળમાં લાગી ગઈ હતી. બીજા રાજ્યોમાં પણ તેને પકડવા પોલીસની ટીમો રવાના કરવામાં આવી હતી. પરંતુ સફળતા મળી ન હતી. જોકે ફાયરિંગ કરનાર ઉત્તરપ્રદેશના ચાર ભાડુતી આરોપીઓ વિશે માહિતી મળતાં તમામને એલસીબીની ટીમે ઝડપી લીધા હતા. આ તમામ આરોપીઓએ પણ હાર્દિકસિંહના કહેવાથી ફાયરિંગ કર્યાનું કબુલ્યું હતું. એટલું જ નહીં તેમને ફાયરિંગ કરવા માટે અમુક રકમ આપવાની પણ વાત સ્વીકારી હતી. ચારેય ભાડુતી આરોપીઓ ઝડપાયા બાદ રાજકોટ રૂરલ પોલીસની ટીમોએ હાર્દિક સિંહની શોધખોળ જારી રાખી હતી. પરંતુ સફળતા મળતી ન હતી. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચ પણ તેની શોધખોળમાં હતી. આખરે અઠવાડિયા પહેલા રાજ્યના પોલીસ વડાએ પોતાના સીધા અંકુશ હેઠળની SMCની ટીમને પણ કામે લગાડી હતી. બીજા રાજ્યોમાં તપાસના અંતે SMCની ટીમે તેને કેરળથી ઝડપી લીધો હતો.