રાજસ્થાનમાં મિડ-ડે મીલ યોજનામાં રૂ. 2000 કરોડનું મહાકૌભાંડ: ACBનો સકંજો
જયપુર, 8 જાન્યુઆરી 2026: કોવિડ-19 મહામારી દરમિયાન જ્યારે શાળાઓ બંધ હતી, ત્યારે ગરીબ વિદ્યાર્થીઓના પોષણ માટે અમલમાં મુકાયેલી મિડ-ડે મીલ યોજનામાં રૂપિયા 2000 કરોડથી વધુનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે. રાજસ્થાન એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ આ મામલે કોનફેડ ના ઉચ્ચ અધિકારીઓ અને ખાનગી પેઢીઓ સાથે સંકળાયેલા 21 નામજોગ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
ACBની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, વિદ્યાર્થીઓને દાળ, તેલ અને મસાલાના કોમ્બો પેક પૂરા પાડવાના નામે મોટું ષડયંત્ર રચાયું હતું. કોનફેડના અધિકારીઓએ પરસ્પર મિલીભગત કરીને ટેન્ડરના નિયમોમાં એ રીતે ફેરફાર કર્યા કે જેથી લાયક પેઢીઓ બહાર થઈ જાય અને તેમની માનીતી પેઢીઓને કામ મળી રહે. આ પેઢીઓએ આગળ અન્ય સંસ્થાઓને ગેરકાયદેસર રીતે કામ સોંપીને નકલી સપ્લાયર્સ અને ટ્રાન્સપોર્ટરોનું આખું નેટવર્ક ઊભું કર્યું હતું.
તપાસમાં સામે આવ્યું છે કે અનેક કિસ્સાઓમાં તો વાસ્તવિક રીતે સામગ્રીની ખરીદી કે સપ્લાય કરવામાં જ આવ્યો નહોતો. માત્ર કાગળ પર ઊંચા ભાવના નકલી બિલ રજૂ કરીને સરકારી તિજોરીમાંથી નાણાં ઉપાડી લેવામાં આવ્યા હતા. આ રીતે છેતરપિંડી અને કૂટિલ દસ્તાવેજોના આધારે રાજ્યના અર્થતંત્રને અંદાજે 2000 કરોડનું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.
ACB એ આ કેસમાં કોનફેડના અનેક અધિકારીઓ અને ખાનગી વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે, જેમાં મુખ્યત્વે સાવંતરામ (સહાયક હિસાબ અધિકારી, કોનફેડ), રાજેન્દ્ર, લોકેશ કુમાર બાપના અને યોગેન્દ્ર શર્મા (મેનેજર, કોનફેડ), પ્રતિભા સૈની (સહાયક મેનેજર), કેન્દ્રીય ભંડારના અધિકારીઓ શૈલેષ સક્સેના, બી.સી. જોશી અને ચંદન સિંહ, *ખાનગી પેઢીઓ મેસર્સ તિરુપતિ સપ્લાયર્સ, જાગૃત એન્ટરપ્રાઇઝ, એમટી એન્ટરપ્રાઇઝ અને સાઈ ટ્રેડિંગના પ્રોપરાઈટરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
- દોષિતો સામે કડક કાર્યવાહી થશે: એસીબી ચીફ
એસીબીના મહાનિર્દેશક ગોવિંદ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ પ્રકરણમાં નાણાકીય લેવડદેવડ, દસ્તાવેજોની છેતરપિંડી અને સરકારી નાણાંના દુરુપયોગ અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા ચાલુ છે અને ટૂંક સમયમાં ધરપકડનો દોર શરૂ થઈ શકે છે.


