Site icon Revoi.in

રાજકોટ-જામનગર હાઈવે પર ધ્રોલ પાસે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 17 લોકો ઘવાયા

Social Share

જામનગરઃ રાજકોટ-જામનગર હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો છે. હાઈવે પર ધ્રોલ નજીક એક ટ્રક સાથે ખાનગી બસની ટક્કર થતાં બસ પલટી મારી ગઇ હતી. જેમાં બસમાં પ્રવાસ કરી રહેલા  17 પ્રવાસીઓને ઈજાઓ થતા તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, રાજકોટ-જામનગર હાઈવે પર ધ્રોલ નજીક આવેલા સરમારીયા દાદાની જગ્યા પાસે આજે સવારે ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં અંદાજે 17 જેટલા લોકોને ઇજા પહોંચી હતી. ખાનગી બસ અને ટ્રક વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. આસપાસના લોકો અને વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત પ્રવાસીઓને બસમાંથી બહાર કાઢી ખાનગી વાહનો અને એમ્બ્યુલન્સ મારફતે ધ્રોલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતના બનાવની જાણ થતાં જ ધ્રોલ પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંને વાહનોનું નિરીક્ષણ કરી અકસ્માત કયા સંજોગોમાં બન્યો તેની તપાસ શરૂ કરી છે. અકસ્માતને કારણે થોડા સમય માટે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો, પરંતુ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.

 

Exit mobile version