વડોદરા, 21 જાન્યુઆરી 2026: શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપ રૂમમાં એક આરોપીએ સ્વેટરની દોરીને બારી સાથે બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. પોલીસે મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો છે.
આ બનાવની વિગત એવી છે કે, વડોદરાના પાણીગેટ વિસ્તારમાં પત્ની સાથે બોલાચાલી કરી માર મારવાના આક્ષેપ હેઠળ પોલીસ દ્વારા રમેશ વસાવાની અટકાયત કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે પોલીસે કલમ BNS 176 મુજબ કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી રમેશ વાસાવાને પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપ રૂમમાં રાખવામાં આવ્યો હતો. આજે 21 જાન્યુઆરીએ વહેલી સવારે 4 આરોપીઓ લોકઅપમાં સૂતા હતા, ત્યારે રમેશ ઊઠી ગયો હતો અને 6.43 વાગે રમેશ વસાવા ટોઇલેટમાં ગયો હતો અને ફાંસો ખાવા માટે બારી સાથે (હુડી)સ્વેટરની દોરી બાંધીને 6.48 વાગ્યે બહાર આવ્યો હતો. ફરી 6.49 વાગ્યે તે ટોયલેટમાં ગયો હતો. જ્યાં તેને આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ બીજો એક આરોપી ઉઠ્યો હતો અને તે ટોઇલેટમાં ગયો હતો. જ્યાં તેને રમેશને લટકતો જોયો હતો. જેથી તેને બૂમાબૂમ કરી હતી અને PSOને ઘટનાની જાણકારી હતી. જેથી પીએસઓ લોકઅપમાં દોડી ગયા હતા અને પીઆઇને જાણ કરી હતી. ત્યારબાદ એસીપી અને ડીસીપીને કરીને પણ જાણ કરી હતી, જેથી ઉચ્ચ અધિકારીઓ પણ દોડી ગયા હતા. હાલમાં પાણીગેટ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે કે કયા સંજોગોમાં આરોપીએ લોકઅપની અંદર આવું અંતિમ પગલું ભર્યું.
આરોપીના વકીલ જિતેન્દ્ર ચાંદવાનીએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ અને કાયદાના સ્પષ્ટ નિર્દેશો છે કે, જ્યારે ફેમિલી મેટર્સ, બિઝનેસ મેટર્સ કે આવા અન્ય સિવિલ પ્રકારના કિસ્સાઓ હોય, ત્યારે સૌથી પહેલા પ્રાથમિક તપાસ થવી જોઈએ. જો તપાસમાં કોઈ કોગ્નિઝેબલ (ગંભીર) ગુનો જણાય તો જ FIR નોંધીને ધરપકડ કરી શકાય. કૌટુંબિક બાબતોમાં સીધેસીધી ધરપકડ કે અટકાયત કરવી ગેરકાયદેસર છે.

