
રાજકોટ અગ્નિકાંડમાં અધિકારીઓ સામે કાર્યવાહી, 4 અધિકારીની ધરપકડ
અમદાવાદઃ રાજકોટના અગ્નિકાંડની તપાસ તેજ ગતિએ કરવામાં આવી રહી છે, આ કેસમાં ચાર અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે, આ ઘટનામાં 27 લોકોના જીવ ગયા છે. આ ઘટનાના પડઘા આખા દેશમાં પડ્યા છે. ઘટના બનતાની સાથે જ SITની રચના કરીને તપાસ શરુ કરવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસે ભાગીદારો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત 7 સામે ફરિયાદ નોંધી હતી જેમાંથી એક ભાગીદારનું ઘટનામાં મોત થયું છે. પાંચ આરોપીઓની ધરપકડ કરાઈ છે અને એક ફરાર છે. આ ગુનામાં જે વધુ 4 અધિકારીઓને આરોપી બનાવીને ધરપકડ કરવામાં આવી છે, જેમાં ટાઉન પ્લાનિંગ ઓફિસર, 2 આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર અને ફાયર વિભાગના અધિકારીનો સમાવેશ થાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં ગેમઝોનમાં સર્જાયેલી દૂર્ઘટનામાં 27થી વધારે વ્યક્તિઓ ભૂજાયાં હતા. આ ઘટનાને પગલે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. તેમજ રાજ્યભરમાં ફાયર એનઓસી મામલે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. બીજી તરફ સમગ્ર ઘટનાને પગલે પ્રજામાં ઉગ્રરોષ ફેલાયો છે. સરકારે પણ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટના પોલીસ કમિશનર અને મનપાના કમિશનરની તાત્કાલિક બદલી કરી નાખી હતી. તેમજ સમગ્ર કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરી હતી. દરમિયાન આજે ચાર અધિકારીઓની ધરપકડ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. તપાસનીશ એજન્સીએ ચારેય અધિકારીઓની ધરપકડ બાદ ઉંડાણપૂર્વકની પૂછપરછ આરંભી છે. તેમજ તેમના રિમાન્ડ મેળવવાની કવાયત તેજ બનાવી છે. આ પ્રકરણમાં હજુ કેટલાક સરકારી અધિકારી-કર્મચારીઓની ધરપકડ કરવામાં આવે તેવી શકયતાઓ જોવાઈ રહી છે.