 
                                    - વડોદરાના કારેલી બાગ વિસ્તારમાં બન્યો બનાવ,
- એક્ટિવાચાલક વિદ્યાર્થિની 12માં ધોરણમાં ભણતી હતી,
- પોલીસે ટ્રકચાલકની કરી ધરપકડ
વડોદરાઃ શહેરમાં રોજબરોજ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. પૂરફાટ ઝડપે દોડતા ભારે વાહનોને કારણે અકસ્માતો સર્જાતા હોય છે. ગઈકાલે જ એક ટ્રક ટ્રાફિકના સિગ્નલ સાથે અથડાતા સિંગનલનો પોલ તૂટી ગયો હતો. જ્યારે આજે શહેરના કારેલી બાગ વિસ્તારમાં આઈસર ટ્રકે એક્ટિવાને અડફેટે લેતા એક્ટિવાચાલક વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું હતું.
આ બનાવની વિગતો એવી છે કે, શહેરના કારેલીબાગ વિસ્તારમાં એક્ટિવા પર જઈ રહેલી વિદ્યાર્થિનીને પૂરપાટ ઝડપે જઈ રહેલા આઇસર ટ્રકે ટક્કર મારતા ધોરણ 12માં અભ્યાસ કરતી સગીરાનું મોત થયું હતુ. આ અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. જેમાં દેખાય રહ્યું છે કે, ટર્ન લઈ રહેલી એક્ટિલાચાલક વિદ્યાર્થિનીને પાછળથી આવતી ટ્રકના ચાલકે હડફેટે લીધી હતી. જેમાં એક વિદ્યાર્થિની પર ટ્રકનું ટાયર ફરી વળતા હાથ અને નાકમાંથી લોહી વહેવા લાગ્યું હતું. સગીરાને સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું. આ મામલે કારેલીબાગ પોલીસે ટ્રકચાલકની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, અકસ્માતે મોતને ભેટનાર વિદ્યાર્થિનીને 10 વર્ષના વિઝા મળતા તે એક મહિનાની અંદર જ અમેરિકા જવાની હતી, પરંતુ કાળ બનીને આવેલી ટ્રક તેને ભરખી ગઈ હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતી 17 વર્ષીય વિદ્યાર્થિનીએ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું અને મારા માસીની દીકરી કેયા દિનેશભાઇ પટેલ (ઉં.વ.17) તથા મારી મામાની દીકરી હિર અમીતભાઇ પટેલ તથા મારી ફ્રેન્ડ આયસી અમે ઘરેથી મારી એક્ટિવા તથા હિરનું સ્કૂટર લઇને બપોરના આશરે ચારેક વાગે પાણીની ટાંકી સર્કલ પાસે આવેલા બોમ્બે સેલમાં ખરીદી કરવા ગયા હતા. અમે ખરીદી કરી સાંજે પરત ઘરે જતા હતા, તે વખતે મારી એક્ટિવા કેયા ચલાવતી હતી અને હું તેની પાછળ બેઠી હતી અને અમો બોમ્બે સેલથી આગળ મુક્તાનંદ તરફ જતા રોડ પરથી યુ ટર્ન મારી પાણીની ટાંકી સર્કલથી અમીતનગર તરફ જતા હતા, તે વખતે પાણીની ટાંકીના સર્કલથી અમે અમીતનગર તરફ જવા એક્ટિવાને ટર્ન મારતા હતા, તે વખતે એક આઇસર ટ્રકચાલકે પૂર ઝડપે ટ્રક ચલાવીને અચાનક ટર્ન મારી અમારી એક્ટિવાને ટક્કર મારી હતી. જેથી હું નીચે પડી ગઈ હતી અને મને ડાબા પગના પંજા અને ડાબા પગના ઘૂંટણ પર ઇજા થઈ હતી. મેં ઉભી થઇને જોતા મારી માસીની દીકરી કેયા એક્ટિવા સાથે નીચે પડી હતી અને તેમને નાકમાંથી અને જમણા પગના ઘૂંટણ પરથી લોહી નિકળતુ હતું અને બેભાન થઇ ગઈ હતી. જેથી ત્યા હાજર પૈકી કોઇએ 108 નંબર ઉપર ફોન કરી એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જેથી એમ્બ્યુલન્સ આવતા પહેલા મારા મામા હાર્દિકભાઈ પટેલ આવી ગયા હતાં. જેથી હું તથા મારી મામાની દીકરી હિર અને હાર્દિક પટેલ કેયાને સારવાર માટે નવરંગ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા, તેઓએ ના પાડતા અમે શુકન હોસ્પિટલ લઇ જતા તેઓએ વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે લઇ જવા જણાવ્યું હતું. જેથી અમે સયાજી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. તબીબોએ કેયાને મૃત જાહેર કરી હતી. પોલીસે આરોપી આઇસર ટ્રકચાલક હરીશ ગોહિલની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
#VadodaraAccident #Karelibaug #RoadSafety #TragicIncident #TruckAccident #StudentDeath #PoliceArrest #CCTVFootage #TrafficSafety #RoadAccidents #JusticeForVictim
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

