Site icon Revoi.in

ADC નાના માણસની મોટી બેંક છે, બેંકનું ટર્નઓવર રૂ. 17 હજાર કરોડને વટાવી ગયુ છેઃ અમિત શાહ

Social Share

અમદાવાદઃ  કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી  અમિત શાહના અધ્યક્ષસ્થાને અમદાવાદના જેતલપુર ખાતે એડીસી બેંકનો સ્વર્ણિમ શતાબ્દી સમાપન સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યમંત્રી  જગદીશ વિશ્વકર્મા આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી  અમિતભાઈ શાહે આ પ્રસંગે એડીસી બેંક દ્વારા ‘બી અવેર, બી સિક્યોર’ના મંત્ર સાથે શરૂ કરવામાં આવનાર સાયબર સેફ્ટી એન્ડ સિક્યોરિટી પાયલોટ પ્રોજેકટનું લોકાર્પણ કર્યું હતું તેમજ જેતલપુર સેવા સહકારી મંડળીના સુપર મોલનો વર્ચ્યુઅલ માધ્યમથી શિલાન્યાસ કરાવ્યો આવ્યો હતો.

અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કૉ-ઑપરેટિવ બૅંકના શતાબ્દી વર્ષની પૂર્ણાહુતિ પ્રસંગે દેશના ગૃહ અને સહકારિતા મંત્રી  અમિતભાઈ શાહે જણાવ્યું કે, 25 વર્ષ પહેલાં એડીસી બૅંક ખોટમાં ચાલતી હતી, ત્યારે ખેડૂતો અને પશુપાલકોએ મારા પર વિશ્વાસ મૂકી મને બૅંકનો ચેરમેન બનાવ્યો હતો. એ વખતે સૌના સાથ-સહકાર અને સુચારુ આયોજન થકી એક જ વર્ષમાં બૅંક ખોટ પૂરીને નફો કરતી થઈ. ત્યાર પછી ક્યારેય પાછું વળીને નથી જોયું અને ગયા વર્ષે બૅંકે 100 કરોડનો નફો કર્યો છે.

અમિતભાઈએ કહ્યું કે, આ નાના માણસની મોટી બૅંક છે. ખેડૂતો અને પશુપાલકોની પાંચ પેઢીઓએ પોતાના પરસેવાથી આ બૅંકને સીંચી છે અને બૅંકને ઝીરો નોન પરફોર્મિંગ એસેટ્સવાળી બૅંક બનાવી છે. છેલ્લાં ૨૫ વર્ષમાં બૅંકે અનેક નવા આયામો અને શિખરો સર કર્યાં છે દેશની 260 સહકારી બૅંકોમાંથી રિઝર્વ બૅંકની ગાઇડલાઇન પ્રમાણે 100 ટકા ઈ-બૅંન્કિંગ લાગુ કરનારી એકમાત્ર બૅંક છે. આજે બૅંકનું ટર્નઓવર રૂ. 17 હજાર કરોડથી પણ વધુનું થયું છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે, એડીસી બૅંકે અનેક ઉતારચઢાવ જોયા છે, પણ દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી પ્રામાણિકતાથી નિભાવી છે. તેમણે કહ્યું કે એડીસી બૅંકે માત્ર ધિરાણ જ નહીં, પરંતુ સેવાના ક્ષેત્રે પણ વિસ્તાર-વિકાસ કર્યો છે અને સ્વાસ્થ્ય, સેવા અને સહકારને આવરી લેતાં અનેક કાર્યો આ બૅંકે કર્યા છે.

સહકાર ક્ષેત્રનું ભવિષ્ય ઉજ્જવળ છે તેમ જણાવી  અમિતભાઈએ કહ્યું કે આજે મંડળીઓ સસ્તી દવાની દુકાન, ગેસ વિતરણ, પેટ્રોલ પંપ, સસ્તા અનાજની દુકાન, ગોડાઉન અને જળ વ્યવસ્થાપન જેવાં કામો કરે છે. ભવિષ્યમાં વાહનચાલકો માટે પણ કૉ-ઑપરેટિવ મૂવમેન્ટ અને બીજ ઉત્પાદન સહિતનાં ક્ષેત્રોને પણ જોડવામાં આવશે જેમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કૉ-ઑપરેટિવ બૅંક જેવી સંસ્થાઓને આગળ આવવા અપીલ કરી હતી તેમજ નાનામાં નાના માણસને લોન મળી રહે તેવી વ્યવસ્થા કરવા બૅંકના હોદ્દેદારોને સૂચન કરી બૅંકના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

એડીસી બેંકના સ્વર્ણિમ શતાબ્દી સમાપન સમારોહ પ્રસંગે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી  અમિતભાઈ શાહના નેતૃત્વમાં વિકાસની રાજનીતિ અને અંત્યોદયના ઉત્થાનનો નવો ઇતિહાસ રચાયો છે. તેમના માર્ગદર્શનમાં ‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ’ના મંત્રને સાકાર કરતા સૌને સાથે લઈને પરસ્પર સહકારથી આગળ વધવાની એક સર્વગ્રાહી વિકાસ પરંપરા દેશમાં વિકસી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

સહકાર રાજ્યમંત્રી  જગદીશ વિશ્વકર્માએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ભારતની સહકારિતા સંસ્થાઓમાંની શ્રેષ્ઠ સંસ્થા એટલે એ. ડી.સી બેન્ક , જેને “સહકારથી સમૃદ્ધિ” સાથે “આત્મ નિર્ભર ભારતના” સૂત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું છે.

આ પ્રસંગે એડીસી બેંકના ચેરમેન  અજયભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે,  અમિતભાઈ શાહની દીર્ઘ દ્રષ્ટિના પરિણામે ઉત્તરોત્તર પ્રગતિ કરતા આજે એડીસી બેંક દેશની અગ્રણી બેંકોમાં સ્થાન પામી છે. દેશને પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાના વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય સહકારિતા મંત્રી  અમિતભાઈ શાહના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એડીસી બેંક અને સહકાર ક્ષેત્ર નોંધપાત્ર યોગદાન આપશે એવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.