Homeગુજરાતીખોરાકકાળઝાળ ગરમી અને લૂથી બચવા અપનાવો આ 5 દેશી ઉપાયો, શરીરને મળશે...

કાળઝાળ ગરમી અને લૂથી બચવા અપનાવો આ 5 દેશી ઉપાયો, શરીરને મળશે કુદરતી ઠંડક અને સ્ફૂર્તિ

ઉનાળાની ઋતુએ હવે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરવાનું શરૂ કરી દીધું છે. ક્યારેક પવન, ક્યારેક વાદળછાયું વાતાવરણ તો ક્યારેક આકરો તડકો લોકોને પરેશાન કરી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં દિલ્હીથી લઈને ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં પણ ગરમીનો પારો આસમાને પહોંચશે અને લૂની ગંભીર અસરો જોવા મળશે.

આવી સ્થિતિમાં શરીરનું તાપમાન વધવાથી ડિહાઈડ્રેશન, થાક, ચક્કર આવવા અને હીટ સ્ટ્રોક જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે. માત્ર પાણી પીવું પૂરતું નથી, પરંતુ શરીરને અંદરથી ઠંડક આપવી પણ જરૂરી છે. ચાલો જાણીએ એવા કેટલાક દેશી ખોરાક વિશે જે તમને ગરમી સામે સુરક્ષા કવચ પૂરું પાડશે.

  • ફાલસાનું શરબત: કુદરતી કુલર

ફાલસા એક નાનું ખાટું-મીઠું ફળ છે, જે વિટામિન C, એન્ટીઑકિસડન્ટ અને પોટેશિયમથી ભરપૂર હોય છે. ઉનાળામાં ફાલસાનું શરબત પીવાથી શરીરને તરત જ ઠંડક મળે છે અને લૂની અસર ઓછી થાય છે. તે શરીરમાં પાણીની ઉણપને દૂર કરવામાં રામબાણ ઈલાજ માનવામાં આવે છે.

  • પલાળેલા મખાના: તાકાત અને ઠંડકનો સંગમ

સામાન્ય રીતે લોકો મખાના શેકીને ખાતા હોય છે, પરંતુ ઉનાળામાં તેને પાણીમાં પલાળીને ખાવા વધુ ફાયદાકારક છે. મખાનામાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે જે શરીરનું તાપમાન સંતુલિત રાખે છે. પલાળેલા મખાના ખાવાથી ડિહાઈડ્રેશન થતું નથી અને શરીરમાં નબળાઈ આવતી અટકે છે.

  • કાચી ડુંગળી: લૂ સામે રામબાણ ઈલાજ

આયુર્વેદ નિષ્ણાતોના મેતે, લૂથી બચવા માટે કાચી ડુંગળીનું સેવન અનિવાર્ય છે. ડુંગળીમાં રહેલા સલ્ફર કમ્પાઉન્ડ અને પોટેશિયમ શરીરના તાપમાનને બેલેન્સ રાખે છે. બપોરે જમવામાં સલાડ તરીકે કાચી ડુંગળી ખાવાથી લૂ લાગવાનું જોખમ નહિવત થઈ જાય છે.

  • ચિયા સીડ્સ નહીં, ‘તકમરિયા’ છે વધુ અસરકારક

આજકાલ લોકો વિદેશી ચિયા સીડ્સ પાછળ દોડે છે, પણ આપણું દેશી ‘તકમરિયા’ (સબજાના બીજ) ઉનાળા માટે શ્રેષ્ઠ છે. તેમાં રહેલું ફાઈબર અને ઓમેગા-3 ફેટી એસિડ શરીરને લાંબા સમય સુધી હાઈડ્રેટ રાખે છે. તેને પાણીમાં પલાળીને શરબત કે દૂધમાં નાખીને પીવાથી પેટમાં ઠંડક રહે છે.

  • કાચી કેરીનું મીઠાવાળું પાણી: નેચરલ ઈલેક્ટ્રોલાઈટ

ગરમીમાં પરસેવા વાટે શરીરમાંથી મીઠું અને મિનરલ્સ બહાર નીકળી જાય છે. કાચી કેરીને બાફીને તેનો માવો કાઢી, તેમાં પાણી, મીઠું અને જીરું નાખીને પીવાથી તે કુદરતી ઈલેક્ટ્રોલાઈટ ડ્રિંક તરીકે કામ કરે છે. તે શરીરમાં પાણીની કમીને ઝડપથી પૂરી કરે છે અને લૂ સામે રક્ષણ આપે છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular