
રાજકોટમાં દિવાળી બાદ રોગચાળો વકર્યો, મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસમાં થયો વધારો
રાજકોટઃ શહેરમાં વહેલી પરોઢે ઠંડી અને બપોરે ગરમી તેમ બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જેના લીધે ખાસ કરીને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. દિવાળીની રજાઓ પૂર્ણ થતાં શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી હતી. જેમાં ડેંગ્યુ, મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગો તેમજ ચિકનગુનિયા અને શરદી, ઉધરસ, તાવનાં દર્દીઓ વધુ જોવા મળ્યા હતા. જોકે મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યો છે. ત્યારે મ્યુનિ.ના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે. મચ્છરોના નાશ માટે દવા છંટકાવની કામગીરી શરૂ કરવામાં આવી છે.
રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સૂત્રોના કહેવા મુજબ શહેરમાં દિવાળીના તહેવારો બાદ છેલ્લા બે દિવસથી આરોગ્ય કેન્દ્રોમાં તેમજ સિવિલ હોસ્પિટલમાં આવતી ઓપીડીમાં ખાસ્સો વધારો નોંધાયો છે. છેલ્લા ત્રણેક દિવસમાં તાપમાન અચાનક ઘટી 20 ડીગ્રી સુધી પહોંચી જતા વાયરલ ઇન્ફેક્શનમાં પણ વધારો નોંધાયો છે. જોકે ગત સપ્તાહમાં ચિકનગુનિયાનાં 3 મેલેરિયાનો 1 અને શરદી ઉધરસ તેમજ તાવનાં 1000 કરતા વધુ કેસો નોંધાયા હતા. જેની સામે ચાલુ સપ્તાહે કામકાજના દિવસો ઓછા હોવાને કારણે કેસની સંખ્યા ઓછી છે, પરંતુ ઓપીડીની સંખ્યામાં વધારો થયો છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગતવર્ષની સરખામણીએ ચિકનગુનિયાનાં કેસમાં ઘણો વધારો થયો છે. જેને લઈને આરોગ્ય વિભાગ સતર્ક છે. મેલેરિયા વિભાગ દ્વારા ઘરે-ઘરે જઈને પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ જે કોઈ સ્થળે મચ્છરોની ઉત્પત્તિ જણાય તેવા એકમોને નોટિસ આપી દંડની વસુલાત પણ કરવામાં આવી રહી છે. સાથે-સાથે ફિલ્ડવર્કર અને આશા બહેનો દ્વારા ઘરે-ઘરે જઈ દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં વિવિધ પ્રાઇવેટ કન્સલ્ટન્ટ સાથે કોલબોરેશન કરીને ખાસ તાવના તમામ કેસોનું સતત સર્વેલન્સ પણ કરાઈ રહ્યું છે.
વધુમાં સૂત્રોએ ઉમેર્યું હતું કે, મ્યુનિ.ના આરોગ્ય વિભાગમાં મેલેરિયા ફિલ્ડવર્કરની ઘણી જગ્યાઓ ખાલી છે. જેને લઈ મહેકમ બ્રાન્ચ દ્વારા જાહેરાત આપી દેવામાં આવી છે. ટૂંક સમયમાં તેની પરીક્ષાનું આયોજન કરી ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જોકે ગતવર્ષથી મેલેરિયા માટેની કામગીરી સઘન કરવા માટે પિક સિઝનમાં ફિલ્ડ વોલન્ટિયર્સની ભરતી કરી કામગીરીમાં કોઈ વિક્ષેપ પડે નહીં તેની તકેદારી રાખવામાં આવી રહી છે. હાલ ફોગીંગ સહિતની તમામ કામગીરી કરવામાં આવી રહી છે.