Site icon Revoi.in

ડુંગળીના ભાવ ગગડી ગયા બાદ હવે સરકારે સહાય કરવાની પ્રકિયા આરંભી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન ભાવનગરના મહુવા અને તળાજા વિસ્તારમાં થાય છે. આ વખતે પણ મહુવા અને તળાજા પંથકમાં લાલ અને સફેદ ડુંગળીનું સારૂએવું ઉત્પાદન થયુ છે. પણ ડુંગળીના ભાવ ગગડી જતા ખેડુતો કફોડી હાલતમાં મુકાયા છે. મહુવા યાર્ડમાં પ્રતિ કિલો રૂપિયા એકના ભાવે ડુંગળી ખરીદાતી હોવાથી ખેડુતોને ડુંગળીના વાવેતરનો ખર્ચ પણ માથે પડ્યો છે. જોકે વરસાદની સીઝન માથે હોવાથી મોટાભાગના ખેડૂતોએ મફતના ભાવે ડુંગળીનો પાક વેચી દીધો છે. ત્યારે હવે રાજ્ય સરકાર સહાય કરવા માટેની પ્રકિયા આરંભી છે.

ભાવનગરના મહુવા અને તળાજા વિસ્તારમાં ડૂંગળીનું મોટાપાયે વાવેતર થાય છે. આ વર્ષે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ ડુંગળીનું સારૂએવું વાવેતર થયું હતું. ખેડુતોને ડુંગળીના પાકના સારા મળવાની આશા હતી. કારણ કે જાન્યુઆરી-2024માં ડુંગળીનો ભાવ પ્રતિકિલો રૂ. 100થી 150 સુધી પહોંચી ગયો હતો. તેથી ખેડૂતોએ ડુંગળીની વ્યાપક ખેતી કરી હતી. વાવેતર વિસ્તાર અને ઉત્પાદન 25 ટકા વધ્યું છે. પરંતુ અત્યારે સ્થિતિ બદલાતા ડુગળીના ભાવ ગગડી ગયા છે. ખેડૂતો માર્કેટ યાર્ડમાં ડુંગળી વેચવા જાય છે ત્યારે તેમને પ્રતિકિલો રૂ. 1થી 3 સુધીનો ભાવ મળે છે. જેનાકારણે ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પણ મળતો નથી અને આટલું ઓછુ હોય તેમ કમોસમી વરસાદ પડતા ખેડૂતોને રડવાની સ્થિતિ આવી છે. આથી કેટલાક ખેડૂતોએ ડુંગળી ફેકી દીધી હતી. આવી સ્થિતિમાં રાજય સરકારે ડુંગળીના ભાવમાં સહાય કરવા માટે પ્રક્રિયા આરંભી દીધી છે.આ માટેની ફાઇલ અત્યારે સરકારના વિવિધ વિભાગોની મંજૂરી અર્થે ચાલી રહીં છે.

કૃષિ વિભાગના સૂત્રોના કહેવા મુજબ ડુંગળીનું ગયા વર્ષે ઉત્પાદન 21 લાખ હેકટરમાં થયું હતુ,જેમાં આ વર્ષે 8 લાખ મેટ્રિક ટનનો વધારો થતા 29 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થયું છે. જેની પાછળ ગયા વર્ષે ડુંગળીના ભાવ રૂ. 100થી 150 પ્રતિ કિલોએ પહોચતા સારા ભાવ મળવાની આશાએ આ વર્ષે ડૂંગળીના વાવેતરમાં વધારો થયો હતો. રાજયમાં 60 ટકા વ્હાઇટ ડુંગળી અને 40 ટકા બ્રાઉન ડુંગળી થાય છે. વ્હાઇટ ડુંગળી એકસ્પોર્ટ કરવામાં આવે છે.

ડુંગળીના ઉત્પાદન ખર્ચની રકમના 25 ટકા સહાયનો સરકારી નિયમ છે. જેનો સીધો અર્થ એવો થયો કે,ખેડૂતો જે ઉત્પાદન ખર્ચ રૂ. 13 ગણે છે તેટલો ખર્ચ સરકાર માન્ય રાખે તો ખેડૂતોને પ્રતિ કિલો રૂ. 3.25ની સહાય મળી શકે તેમ છે.

 

Exit mobile version