ડાંગમાં હનુમાનજીના 311 મંદિરના નિર્માણ પછી દેશભરમાં 1111 મંદિરનો સંકલ્પ
ડાંગ, 18 માર્ચ, 2026: રાજ્યના ડાંગ જિલ્લામાં 311 હનુમાનજી મંદિર બનાવવાના સંકલ્પના ભાગરૂપે અત્યાર સુધીમાં 175 મંદિરનું નિર્માણ થઈ ચૂક્યું છે અને બાકીના મંદિરની નિર્માણ કામગીરી ચાલી રહી છે. તાજેતરમાં ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ડાંગ જિલ્લાના પવિત્ર દંડકારણ્ય ક્ષેત્રની બે દિવસીય મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેમણે આઠ મંદિરમાં થયેલી પ્રાણપ્રતિષ્ઠા વિધિમાં હાજરી આપી હતી. ‘ડાંગ પ્રયાગ હનુમાન યાગ‘ અભિયાન હેઠળ જિલ્લાના ગામડાઓમાં 311 હનુમાન મંદિરો બનાવવાની ચાલી રહેલી પહેલના ભાગરૂપે હનુમાન મંદિરોનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો હતો.
કેવી રીતે મળી પ્રેરણા?
ડાંગ જિલ્લાના 311 ગામોમાં સાંસ્કૃતિક મૂલ્યોને પ્રોત્સાહન આપવા, ગ્રામીણ લોકોમાં એકતા મજબૂત કરવા અને સમગ્ર વિકાસને ટેકો આપવાના ઉદ્દેશ્ય સાથે મંદિર નિર્માણની આ પહેલ કરવામાં આવી છે. રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે, આ પહેલની પ્રેરણા ‘ડાંગ પ્રયોષા પ્રતિષ્ઠાન‘ ના સ્થાપક પી. પી. સ્વામીજી પાસેથી મળી હતી. તેમણે વધુમાં ઉમેર્યું કે, અત્યાર સુધીમાં 175 મંદિરોનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે.
દરમિયાન, આ યાગમાં સહયોગ કરનાર દાતાઓનું સન્માન કરવાનો એક કાર્યક્રમ પણ એ અરસામાં સુરતમાં યોજાયો હતો. એ કાર્યક્રમમાં રામનાથ કોવિંદ ઉપરાંત રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો હાજર રહ્યા હતા.

આ પ્રસંગે ડાંગ પ્રયાગ હનુમાન યાગના પ્રણેતા સાંસદ ગોવિદંભાઈ ધોળકિયાએ કહ્યું હતું કે, પરિવારમાં સલાહ-સૂચન બાદ હવે સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે કે, દેશના તમામ આદિવાસી વિસ્તારોમાં હવે 1,111 હનુમાન મંદિરનું નિર્માણ કરવામાં આવશે.
ડાંગમાં બનેલા હનુમાન મંદિરોની વિશેષતાઃ
પી.પી. સ્વામીજીની પ્રેરણા તથા ગોવિંદભાઈ ધોળકિયાના પ્રયાસોથી બની રહેલા આ મંદિરોની વિશેષતા એ છે કે, આ માત્ર હનુમાનજીનાં મંદિર નથી, પરંતુ દરેક મંદિરની સાથે કૉમ્યુનિટી હૉલ (સામુદાયિક હૉલ) પણ બનાવવામાં આવે છે જ્યાં એક સાથે 200-300 લોકો બેસી શકે, જ્યાં ધાર્મિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થઈ શકે. અને એ રીતે ગ્રામજનો સંગઠિત રહીને વિકાસ કરી શકે.


