Site icon Revoi.in

વડાલીમાં પરિવારના સામુહિક આપઘાતના બનાવમાં દંપત્તી બાદ બે પૂત્રના પણ મોત

Social Share

હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં ગત શનિવારે સવારે શ્રમિક પરિવારના પાંચ સભ્યએ ઝેરી દવા પી લીધી હતી. જેમાં પ્રથમ માતા-પિતાનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. ત્યારબાદ ગત રાત્રે  પરિવારના બંને પુત્રનું પણ મૃત્યુ થયું હતું. જ્યારે પુત્રી ભૂમિકા સારવાર હેઠળ છે. આ બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી છે. શ્રમિક પરિવારે દવા કેમ પીધી તે હજુ સુધી જાણી શકાયું નથી.

સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં એક શ્રમિક પરિવારના સામૂહિક આત્મહત્યાના કિસ્સામાં મૃત્યુઆંક ચાર સુધી પહોંચ્યો છે. વડાલીના સગરવાસમાં રહેતા વિનુભાઈ સગર સહિત પરિવારના પાંચ સભ્યોએ શનિવારે સવારે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જેમાં વિનુભાઈ મોહનભાઈ સગર (ઉં.વ. 42), તેમનાં પત્ની કોકિલાબેન (ઉં.વ. 40), બે પુત્ર નિલેશ (ઉં.વ. 18) અને નરેન્દ્રકુમાર (ઉં.વ. 17) તથા પુત્રી ભૂમિકા (ઉં.વ. 19)નો સમાવેશ થાય છે. ઘટના અંગે જાણ થતાં જ આજુબાજુના લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. આસપાસના લોકોએ સૌપ્રથમ પરિવારના તમામ સભ્યોને વડાલી પ્રાથમિક સારવાર માટે ખસેડ્યા હતા. ત્યાર બાદ તેમને ઈડરની પંચમ હોસ્પિટલ અને પછી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન પ્રથમ વિનુભાઈનું અને ત્યાર બાદ રાત્રે કોકિલાબેનનું મોત નીપજ્યું હતું. શનિવારની મોડી રાત્રે પરિવારનાં બે પુત્ર અને એક પુત્રીને ઝેરી દવાની વધુ અસર થતાં તેઓને હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં. જ્યાં તબીબો દ્વારા તાત્કાલિક તેમની ડાયાલિસિસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જો કે 19 વર્ષીય પુત્રી ભૂમિકા, 18 વર્ષીય પુત્ર નિલેશ અને 17 વર્ષીય નરેન્દ્રની હાલત નાજુક હોવાને કારણે તેમને વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરવામાં આવ્યાં હતાં. જ્યાં રવિવારે રાત્રે બંને પુત્રએ પણ અંતિમશ્વાસ લીધા હતા. જ્યારે પુત્રી ભૂમિકા હાલ સારવાર હેઠળ છે.

વડાલી પોલીસ સ્ટેશનના પીએસઓના કહેવા મુજબ, પોલીસે આ મામલે સિવિલ વરધી નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. મૃતક દંપતીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરીને પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો અને વડાલીમાં તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.પોલીસે મૃતક વિનુભાઈની દીકરી કૃષ્ણા ઉર્ફે ભૂમિકાની પૂછપરછ કરીને જાણવાજોગ નોંધ લેવામાં આવી છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલ ઘટનાનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. મૃતક વિનુભાઈનો મોબાઈલ ફોન જપ્ત કરીને FSLમાટે મોકલવામાં આવશે. પરિવારના રહેણાક વિસ્તારની આસપાસ હાલ પૂછપરછ ચાલુ છે. વડાલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર. કે. જોષી તપાસ ચલાવી રહ્યા છે.

આ કરુણ ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી ફેલાવી દીધી છે. પરિવારના આ અંતિમ પગલાં પાછળનું કારણ હજુ અકબંધ છે અને પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.