1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મહેસુલ મંત્રીની સરપ્રાઈઝ વિઝિટ બાદ ગાંધીનગર જિલ્લાના 11 નાયબ મામલતદારોની બદલીઓ
મહેસુલ મંત્રીની સરપ્રાઈઝ વિઝિટ બાદ ગાંધીનગર જિલ્લાના 11 નાયબ મામલતદારોની  બદલીઓ

મહેસુલ મંત્રીની સરપ્રાઈઝ વિઝિટ બાદ ગાંધીનગર જિલ્લાના 11 નાયબ મામલતદારોની બદલીઓ

0
Social Share

ગાંધીનગરઃ રાજ્યના મહેસુલ વિભાગમાં સૌથી વધુ ભષ્ટાચારની ફરિયાદો મળતી હોય છે. મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ ફરિયાદો મળતા જ ઓચિંતી કલેકટર કચેરીઓની સરપ્રાઈઝ મુલાકાત લઈ રહ્યા છે. તાજેતરમાં મહેસુલ મંત્રીએ ગાંધીનગર કલેકટર કચેરીની સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. ત્યારે નાયબ મામલતદાર ઈશ્વર દેસાઈની જગ્યાએ નિવૃત તલાટીને સરકારી કામકાજ કરતા રંગેહાથ ઝડપી લીધા હતા. આ ઘટનાનાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. જેનાં ભાગરૂપે કલેકટર ડો. કુલદીપ આર્યએ જાહેરહિતમાં સાગમટે  11 નાયબ મામલતદારોની આંતરિક બદલીઓ કરી છે.

ગાંધીનગર કલેક્ટર કચેરીની મહેકમ શાખા છેલ્લા ઘણા સમયથી ભ્રષ્ટાચારનાં આક્ષેપોથી ખદબદી રહી રહી હતી. જે બાબતે રાજ્ય મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને વીડિઓગ્રાફી સાથેના પુરાવા આપવામાં આવ્યા હતા. જેનાં પગલે મહેસુલ મંત્રીએ 29મી એપ્રિલના રોજ સામાન્ય વ્યક્તિની જેમ કચેરીની બહાર પોતાની ગાડી ઉભી રખાવી ચાલતાં જઈને મહેસુલ શાખામાં રેડ પાડવામાં આવી હતી. અચાનક મહેસુલ મંત્રી ત્રિવેદીની એન્ટ્રી થતાં જ કચેરીમાં રીતસરનો સોપો પડી ગયો હતો. એ સમયે સર્કલ ઓફિસર ઈશ્વર દેસાઇના ટેબલ પર બેસીને એક વૃદ્ધ સરકારી ફાઈલો જોતા હતા. આ દ્રશ્ય જોઈને મંત્રી ચોંકી ઉઠ્યા હતા. એક મહિલા કર્મચારી પાસે જઈને વૃદ્ધ કેટલા સમયથી ઓફિસમાં આવીને સરકારી કામકાજ કરી રહ્યા હોવાની વિગતો પૂછવામાં આવી હતી. ત્યારે મહિલા કર્મચારીએ વૃદ્ધ પાંચેક માસથી બેસતાં હોવાની વાત સ્વીકારી લીધી હતી. આ સાંભળીને મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ નાયબ મામલતદાર ઈશ્વર દેસાઈનો ઉધડો લીધો હતો. મંત્રીનું આકરું વલણ જોઈને ઈશ્વર દેસાઈ પણ બે હાથ જોડીને માફી માંગવા લાગ્યા હતા. વૃદ્ધની વિગતો મેળવતા વૃદ્ધ નિવૃત તલાટી હોવાની હકીકત પ્રકાશમાં આવી હતી. જે બાબતે મંત્રીએ કલેક્ટર અને ડેપ્યુટી કલેકટરને પણ કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.

આથી કલેકટરે નાયબ મામલતદાર ઈશ્વર દેસાઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. બીજી તરફ મહેસુલ શાખામાં ચાલતી પોલમ પોલના પગલે મંત્રીનું પણ આકરું વલણ હોવાથી ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. જેનાં ભાગરૂપે ગાંધીનગર કલેક્ટર ડો. કુલદીપ આર્યએ જિલ્લાના એક સાથે 11 નાયબ મામલતદારોની જાહેરહિતમાં બદલી કરી દેવામાં આવી છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code