
રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લી નિકળ્યા બાદ હવે પલ્લીના રથનાં દર્શન પૂનમ સુધી કરી શકાશે
ગાંધીનગરઃ જિલ્લાના રૂપાલમાં પરંપરાગત રીતે આસો સુદ નોમના દિવસે વરદાયિની માતાજીની પલ્લી કાઢવામાં આવતી હોય છે. પાંડવો દ્વારા શરૂ કરવામા આવેલી પરંપરા વર્ષો બાદ પણ ચાલુ રાખવામા આવી છે. પલ્લી રથ ઉપર 5 લાખ કિલો ઘીનો અભિષેક કરાયો હતો. પલ્લી રથ મંદિર સામે દર્શનાર્થે મુકવામાં આવ્યો છે, જે પૂનમ સુધી રહેશે. પલ્લીના રથના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિકો આવી રહ્યા છે. રૂપાલ ગામમાં પલ્લી બાદ હવે ગ્રામજનો દ્વારા ગામમાં સફાઇ અભિયાન હાથ ધરાયું છે. ગ્રામ પંચાયત દ્વારા સફાઇ માટે ટ્રેક્ટર કામે લગાડવામાં આવ્યા હતા.
ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમા પાંડવો દ્વારા શરૂ કરાયેલી વરદાયિની માતાજીની પલ્લીની પરંપરા જાળવવામા આવી રહી છે. આસો સુદ નોમના દિવસે ગામના તમામ સમાજના સહયોગથી પલ્લી ખીજડાના લાકડાંમાંથી તૈયાર કરવામાં આવે છે અને પલ્લી કાઢવામાં આવે છે. ત્યારે 27 ચોકમાં પલ્લી ઉપર ઘીનો અભિષેક કરવામાં આવે છે. ત્યારબાદ પલ્લી મંદિરમાં મુકવામા આવે છે. પલ્લી ઉપર ચઢાવેલું ઘી ગામના વાલ્મિકી સમાજ દ્વારા એકઠુ કરાય છે. જ્યારે મંદિરમાં ચઢાવાતુ ઘી રાવળ સમાજ દ્વારા લઇ જવામા આવે છે. ગામના ઘીની નદીઓ વહેતી થઇ હોવાથી પલ્લીના રુટ્સ ઉપર ઘી જોવા મળતુ હોય છે. ત્યારે ગ્રામ પંચાયત દ્વારા ગામમાં સફાઇ અભિયાન હાથ ધરાયું હતુ. ઘીની ચીકાસ દૂર કરવા માટે ટ્રેક્ટરમાં માટી ભરી લાવીને નાખવામાં આવી હતી. ગામમાં એક સાથે 5 કરતા વધારે ટ્રેકટર અને મજૂરોને કામે લગાડવામાં આવ્યા હતા. વરદાયિની માતાજીના મંદિર સામે મુકવામા આવેલા પલ્લી રથ ઉપર પૂનમ સુધી ઘી ચઢાવવામા આવે છે. તે ઉપરાત રથના દર્શન વર્ષ ભર કરી શકાય છે. (file photo)