
અમદાવાદઃ પ્રકાશનું પ્રવ ગણાતા દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં કોટ વિસ્તારમાં આવેલી બજારો, તેમજ સીજી રોડ તેમજ શોપિંગ મોલમાં પણ ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી રહી છે. આમ માર્કેટમાં ચોતરફ ખરીદીની મોસમ જામી પડી છે. હાલ માર્કેટમાં નવી માગ નીકળી છે અને એટલે જ વેપારીઓ પણ ખુશખુશાલ છે.
પ્રકાશના પર્વ ગણાતા દિવાળીના તહેવારોને રંગેચંગે ઊજવવા માટે લોકો નવા કપડાથી લઈને જરૂરી ચિજ-વસ્તુઓની ખરીદી કરતા હોય છે. ઉપરાંત ઘરને પણ રંગરોગાન કરવીને સજાવતા હોય છે. એટલે દિવાળી પહેલા જ ખરીદી શરૂ થઈ જતી હોય છે. હાલ શહેરના ત્રણ દરવાજા, ગાંધીરોડ, રિલિફરોડ, સહિત કોટ વિસ્તારની બજારો તેમજ સીજી રોડ, પોશ વિસ્તાર ગણાતા સિંન્ધુનગર રોડ. પ્રહલાદ નગર કોર્પોરેટ રોડ, તેમજ વિવિધ શોપિંગ મોલમાં લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા છે. ખાસ કરીને ઘરવખરી, ગાર્મેન્ટ, સજાવટ, કપડા ,બૂટ તેમજ ઘરવખરીની ચીજોની ડિમાન્ડ વધુ છે. આમ દિવાળી પહેલા લોકોએ ખરીદીની શરૂઆત કરી દીધી છે. શહેરના જૂના અને જાણીતા ભીડભંજન માર્કેટમાં મોટી સંખ્યામાં ખરીદી માટે લોકો ઉમટી પડ્યા હતા.
સૂત્રોના કહેવા મુજબ ગ્રાહકો મોંઘવારીને લીધે પોતાની જરૂરિયાત પુરતી જ વસ્તુઓ ખરીદી રહ્યા છે. ગત વર્ષ કરતા લગભગ દરેક ચીજવસ્તુઓના ભાવમાં બમણો ભાવવધારો જોવા મળી રહ્યો છે. ગૃહિણીઓને આ દિવાળીએ ખરીદીમાં વસ્તુઓનો ભાવવધારો નડી રહ્યો છે. મોંઘવારી અને દરેક વસ્તુઓની બમણાથી વધારે કિંમતો થઈ ગઈ છે તેમ છતાં તહેવારોને લઈને ગૃહિણીઓનો ઉત્સાહ હજુ પણ જેમનો તેમ છે. હાલ દિવાળી પહેલા માર્કેટમાં વેપારીઓ ખુશ દેખાઈ રહ્યા છે. માલસામાનની પૂછપરછ વધી છે પરંતુ તેમ છતાં દબાયેલા સ્વરે વેપારીઓ એકરાર કરી રહ્યા છે કે ગઈ દિવાળીના 10 -12 દિવસ પહેલા જેવો ખરીદીનો માહોલ હતો તેવો માહોલ હજુ જામ્યો નથી. ખાસ કરીને ગૃહિણીઓને વસ્તુઓનો ભાવવધારો અને ઓછી બચત નડી રહી છે. જેથી વસ્તુઓની પૂછપરછ તો નીકળી છે પરંતુ હજુ જોઈએ તેટલી ખરીદી વધી નથી. લોકો ખરીદી કરતા અચકાઈ રહ્યા છે. (File photo)