1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદઃ RSSની અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં 1248 મહાનુભાવો ઉપસ્થિત રહેશે
અમદાવાદઃ RSSની અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં 1248 મહાનુભાવો ઉપસ્થિત રહેશે

અમદાવાદઃ RSSની અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં 1248 મહાનુભાવો ઉપસ્થિત રહેશે

0
Social Share

અમદાવાદઃ અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનું આયોજન આ વર્ષે તા. 11થી 13 માર્ચ દરમિયાન ગુજરાતના કર્ણાવતીમાં કરવામાં આવ્યું હોવાનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરજીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, સંઘમાં અલગ અલગ પ્રકારની બેઠકો થતી હોય છે તેમાં સૌથી મોટી અને નિર્ણયની દ્રષ્ટ્રીએ સૌથી મહત્વપૂર્ણ બેઠક પ્રતિનિધિ સભા હોય છે. અગાઉ પ્રતિનિધિ સભા નાગપુરમાં થતી હતી. પરંતુ નાગપુરની બહાર પહેલીવાર પ્રતિનિધિ સભા 1988માં રાજકોટમાં થઈ હતી.

અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરજીએ જણાવ્યું હતું કે, કર્ણાવતીમાં યોજાનારી પ્રતિનિધિ સભામાં 1248 પ્રતિનિધિઓ ભાગ લેશે. સરસંઘચાલક ડો. મોહનરાવ ભાગવતજીના માર્ગદર્શનમાં સરકાર્યવાહ દત્તાત્રેયજી હોસબલે આ બેઠકનું સંચાલન કરશે. આ બેઠકમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપરાંત પ્રાંત સંઘચાલકો, પ્રાંત કાર્યવાહો અને વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓની હાજરી રહેશે. આ વખતે 36 સંગઠનના સંગઠન મંત્રી અને પ્રતિનિધિઓ આ બેઠકમાં અપેક્ષિત છે. આ બેઠકમાં દરેક વર્ષે સંઘકાર્યને લઈને યોજનાઓ બનાવવામાં આવે છે તથા તેની સમીક્ષા કરવામાં આવે છે. તેમજ સરકાર્યવાહજી સંઘ અને પ્રાંતોના પ્રતિવેદન પ્રસ્તુત કરે છે. 2025માં સંઘની સ્થાપનાને 100 વર્ષ પુરા થઈ રહ્યાં છે. આ અવસર પર પોતાના પ્રાંતોમાં જે યોજનાઓ બનાવવામાં આવી છે તેનું નિવેદન અને ચર્ચા આ બેઠકમાં કરાશે. સંઘકાર્યના સંખ્યાત્મક આંકડા પ્રાંતો દ્વારા રજૂ કરવામાં આવશે. સંઘના શતાબ્દી વર્ષના અવસર પર સંઘ કાર્ય એક લાખ સ્થાન સુધી લઈ જવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે.

તેમણે વધુમાં કહ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવના અવસર પર વિભિન્ન પ્રાંતો દ્વારા જે આયોજન કરવામાં આવ્યાં છે તેની પણ ચર્ચા કરવામાં આવશે. આઝાદીના સંગ્રામના એવા અનેક વીરો છે જેમની બાબતમાં લોકોને વિશેષ જાણકારી નથી, તેમની જાણકારી સમાજને આપવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ ઉપરાંત ગ્રામીણ સ્તર પર સ્વરોજગાર દ્વારા નિર્ભરતા કઈ રીતે મેળવી શકાય એ બાબતમાં પણ સંઘ દ્વારા અનેક કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યાં છે. સંઘ સમાજમાં સમરસતા, પર્યાવરણ, પરિવાર પ્રબોધન જેવા વિષયો પર અનેક સંગઠનો સાથે કાર્ય કરી રહ્યો છે. આ વિષયો પર પણ આ બેઠકમાં ચર્ચા થશે. પ્રતિનિધિ સભાના સ્થાન પર સમગ્ર દેશમાંથી આવેલા પ્રતિનિધિઓ માટે એક વિશેષ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ, ગુજરાતનો વિકાસ અને ગુજરાતમાં સંઘનો ક્રમિક વિકાસ તથા સંઘની પ્રવૃત્તિઓને પ્રદર્શિત કરવામાં આવ્યાં છે.

આરએસએસની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાના આયોજનને લઈને મળેલી બેઠકમાં અખિલ ભારતીય સહપ્રચાર પ્રમુખ નરેન્દ્રકુમાર, આલોકકુમાર, ગુજરાત પ્રાંતના સહકાર્યવાહ ડો.સુનિલભાઈ બોરિસા અને ડો.શિરીષ કાશીકર ઉપસ્થિત રહ્યાં હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code