
અમદાવાદઃ HSRP નંબર પ્લેટ વગર અને રોંગ સાઈડ વાહન હંકારનાર સામે થશે કાર્યવાહી
- ટ્રાફિક પોલીસે શરૂ કરી સ્પેશિયલ ડ્રાઈવ
- તા. 11મી મે સુધી ચાલશે આ મેગા ડ્રાઈવ
- નિયમ ભંગ કરનાર સામે થશે દંડાત્મક કાર્યવાહી
અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરનારા વાહન ચાલકોની સામે ટ્રાફિક પોલીસ દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. ટ્રાફિક પોલીસે એચએસઆરપી નંબર પ્લેટને લઈને સ્પેશ્યિલ ડ્રાઇવની શરૂઆત કરી છે. આ ઉપરાંત રોંગ સાઈડ વાહન હંકારનારા વાહન ચાલકો સામે કાર્યવાહી શરૂ કરી છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો સામે આકરી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર રોંગ સાઈડ પર વાહન ચલાવવાને કારણે ગંભીર અકસ્માતો સર્જાય છે. એટલું જ નહીં કેટલાક અકસ્માતની ઘટનામાં વાહનની HSRP નંબર પ્લેટ ન હોવાને કારણે અકસ્માત કરનારની ઓળખ કે શોધખોળ કરવામાં પોલીસને મુશ્કેલી ઉભી થતી હોય છે. જેને ધ્યાને રાખી એક અઠવાડિયા સુધી ટ્રાફિક પોલીસ દ્વારા આ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. ડ્રાઈવ દરમિયાન નિયમોનું પાલન નહીં કરનારા ટુ વ્હીલર ચાલકને રૂ.1500નો દંડ અને ફોર વ્હીલર ચાલકો માટે 3000 અને ભારે વાહનો માટે 5000નો દંડ નક્કી કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો છે. વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું યોગ્ય પાલન નહીં કરતા હોવાથી અનેકવાર માર્ગ અકસ્માતના બનાવો બને છે. અમદાવાદ શહેરના ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોને સીસીટીવી કેમેરાની મદદથી શોધીને તેના ઘરે દંડની નોટિસ મોકલવામાં આવે છે.