 
                                    અમદાવાદઃAMCએ 7 ઝોનના માર્ગો ઉપર 25 હજારથી વધારે ખાડાનું કર્યું પુરાણ
અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં ચાલુ વર્ષે ચોમાસામાં 28.32 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં રસ્તાનું ધોવાણ થયું હતું. અમદાવાદ શહેરમાં તંત્ર દ્વારા બિસ્માર રસ્તાઓનું રિપેરીંગ કામ પૂર્ણ કરવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન 106 દિવસમાં શહેરના સાત ઝોનમાં લગભગ 25623 જેટલા ખાડા પુરવામાં આવ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં છેલ્લા દસ દિવસમાં જ રસ્તા ઉપરના ખાડા પુરવા પાછળ 24770 મેટ્રીકટન હોટમિકસ મટીરીયલનો ઉપયોગ કરવો પડયો છે. દર વર્ષે 800 થી 1000 કીલોમીટરના રસ્તાઓ કેબલ, ગેસ કે પાવર એજન્સીઓ નવુ નેટવર્ક સ્થાપિત કરવા ખોદકામ કરવા રોડ ઓપનીંગની મંજુરી મ્યુનિ.તંત્ર પાસેથી લેતી હોય છે. ચોમાસા દરમિયાન 39588 મેટ્રીકટન હોટમીક્ષ મટીરીયલનો ઉપયોગ પેચવર્ક કરવા કરાયો હતો. શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી છ પેવરની મદદથી રોડ રીસરફેસ કરવાની કામગીરી ચાલી રહી છે. અમદાવાદ શહેરના પશ્ચિમ ઝોનમાં 3983, ઉત્તર પશ્ચિમમાં 4333, દક્ષિણ પશ્ચિમ 3098, પૂર્વ 4369, દક્ષિણ ઝોનમાં 4201, મધ્ય ઝોનમાં 1962 અને ઉત્તર ઝોનમાં 3677 ખાડાઓ પુરવામાં આવ્યાં છે.
અમદાવાદ શહેરમાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓનું ધોવાણ થયું હતું. તેમજ રસ્તાઓ ઉપર ખાડા પડ્યાં હતા. જેથી વાહનચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં હતા. શહેરના વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો ના પડે તે માટે રોડ-રસ્તાનું રિપેરીંગ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં રસ્તાઓ રિપેરીંગની કામગીરી પૂર્ણ કરવા માટે સરકાર દ્વ્રારા અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

