- અમદાવાદમાં એર ટ્રાફિક કન્ટ્રોલ 24 કલાકમાં 1500 વિમાન હેન્ડલ કરે છે
- રોજ 300 ફલાઇટોની ક્ષમતા વધતા ATC સ્ટાફ પર કામનું ભારણ વધ્યું
- અમદાવાદના એરસ્પેસમાં એરટ્રાફિકમાં થયો વધારો
અંમદાવાદઃ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદીઓએ હુમલો કર્યા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધો તંગ બન્યા છે. ભારતે સીમલા કરાર રદ કરવા સહિત આકરા પગલાં લેતા તેના જવાબમાં પાકિસ્તાને ભારતથી વિદેશ જતા વિમાનો માટે તેની એરસ્પેસ બંધ કરી દીધી છે. તેના લીધે વિદેશ જતા વિમાનોને રૂટ બદલવાની ફરજ પડી છે, તેથી અમદાવાદના એરસ્પેસમાં એરટ્રાફિક વધ્યો છે. અમદાવાદ એર ટ્રાફિક કંન્ટ્રોલ (એટીસી) માંથી પસાર થતી ફલાઇટોની સંખ્યા 20 ટકા વધી ગઇ છે, જેના કારણે અમદાવાદ એટીસીમાં 24 કલાક ત્રણ શિફ્ટમાં કામ કરતા કર્મચારીઓ પર કામનું ભારણ વધી ગયુ છે.
એટીસીના સૂત્રોના કહેવા મુજબ અમદાવાદ એટીસી પ્રતિદીન 24 કલાકમાં 1200 ફલાઇટો હેન્ડલ કરે છે જે લેન્ડ થતી નથી, પણ અમદાવાદ પરથી પસાર થાય છે જો કે પાકિસ્તાને એર સ્પેસ બંધ કરી દેતા મુસાફરોની સુરક્ષાના કારણોસર ઘણી ફલાઇટોએ તેમના રૂટ બદલ્યા છે, જેના કારણે અમદાવાદ એટીસી 1200ના બદલે હાલમાં 1500 ફલાઇટો હેન્ડલ કરવી પડે છે. અમદાવાદ એટીસીમાંથી પસાર થતી ફલાઇટો ભલે લેન્ડ ન થાય પણ જવાબદારી પુર્વક કર્મચારીએ ફરજિયાત કોમ્યુનિકે્શન કરવું પડે છે. એટલે હાલમાં પ્રતિદીન 300 ફલાઇટો વધી જતા કર્મચારીઓ પર કામનું ભારણ વધ્યું છે.
એટીસીના અધિકારીના કહેવા મુજબ ‘અમદાવાદ એટીસી પ્રતિદીન 320 ફલાઇટો હેન્ડલ કરે છે જે ફલાઇટો એરપોર્ટ પર ટેકઓફ-લેન્ડ થાય છે. આ ક્ષમતા પણ વધી છે કેમ કે થોડા સમય પહેલા 250 ફલાઇટો હેન્ડલ કરવામાં આવતી હતી, ’ અમદાવાદથી લંડન ફલાઇટનો રૂટ બદલાયો એરસ્પેસ બંધ થતા અમદાવાદથી લંડન અવરજવર કરતી ફલાઇટે રૂટ બદલવો પડ્યો છે જેના કારણે 20થી 25 મિનિટ જેટલો સમય વધી જતા વધુ ઇંધણ બાળવુ પડે છે જેની અસર ભાડા પર પડે છે. આ રૂટને અસર. ઉત્તર અમેરિકા, યુકે, યુરોપ અને મધ્ય પૂર્વ જતી અથવા આવતી ઘણીય ફ્લાઇટોને વૈકલ્પિક રૂટ અપનાવાની ફરજ પડી છે