
અમદાવાદ : BRTS-AMTSમાં માત્ર 10 ટકા જ ટ્રાફિક જોવા મળ્યો, અઠવાડિયામાં સ્થિતિ સામાન્ય બનશે
અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો થયા બાદ સોમવારથી એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવા ચાલુ કરવામાં આવી છે. કોરોના પહેલા સામાન્ય દિવસમાં બંને બસ સેવામાં રોજના સરેરાશ 7.75 લાખ લોકો મુસાફરી કરતા હતા. જ્યારે સોમવારે એએમટીએસ-બીઆરટીએસને મળીને 72 હજાર પેસેન્જર મળ્યા હતા. જે સામાન્ય દિવસોના પેસેન્જરની સંખ્યાના માંડ 10 ટકા છે. આ ઉપરાંત સોમવારથી સ્કૂલો અને કોલેજોમાં પણ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. સ્કૂલો હજુ ઓફલાઈન ચાલુ થઈ નથી. પ્રથમ દિવસે સ્કૂલોના ઓનલાઈન શિક્ષણમાં પણ લગભગ 80 ટકા હાજરી જોવા મળી હતી.
શહેરમાં 82 દિવસ બંધ રહ્યા બાદ સોમવારથી એએમટીએસ અને બીઆરટીએસની બસો તેની 50 ટકા ક્ષમતા સાથે ફરી શરૂ થઇ છે. બીઆરટીએસને 28 હજાર જ્યારે એએમટીએસને 44731 પેસેન્જર મળ્યા હતા. કોરોના સંક્રમણ વધતાં જ શહેરમાં માર્ચમાં જ બીઆરટીએસ અને એએમટીએસની સેવાઓ ફરીથી બંધ કરી દેવાઈ હતી. જેથી મુસાફરોમાં કોરોના સંક્રમણ ન ફેલાય. જોકે હવે કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં આવતાં ફરીથી બીઆરટીએસ અને એએમટીએસની બસો 50 ટકા ક્ષમતા સાથે તેમજ તેમાં 50 ટકા મુસાફરોને બેસાડવાની શરત સાથે શરૂ કરવામાં આવી છે.
પ્રથમ દિવસે બીઆરટીએસની 125થી વધારે બસો દોડી હતી અને બીઆરટીએસને 3.57 લાખની આવક થઈ હતી. જોકે આજે મંગળવારે એએમટીએસ અને બીઆરટીએસ બસમાં સોમવાર કરતા થોડો વધુ ટ્રાફિક જોવા મળ્યો હતો. શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ હોવાથી અપડાઉન કરવાવાળા વિદ્યાર્થીઓનો ટ્રાફિક પણ ઘટ્યો છે. એટલું જ નહીં બહારગામથી અમદાવાદમાં ખરીદી માટે આવતા લોકોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે અઠવાડિયામાં સ્થિતિ સામાન્ય થઈ જશે.