
અમદાવાદઃ પરિવારના ચાર સભ્યોએ સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાતનો કર્યો પ્રયાસ
અમદાવાદઃ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીમાં પરિવારના ચાર સભ્યોએ મોતની છલાંગ ગલાવીને જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સ્થાનિકો અને ફાયરબ્રિગેડના જવાનોએ ચારેયને બતાવી લીધા હતા. જમાઈના ત્રાસથી કંટાળીને પરિવારે અંતિમ પગલુ ભરવાનો પ્રયાસ કર્યાંનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસનો ધમધમાટ તેજ બનાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ભુદરપુરા વિસ્તારમાં રહેતા પરિવારની પરિણીત દીકરી, તેનું છ વર્ષનું બાળક, માતા અને ભાઈએ ચંદ્રનગર રિવરફ્રન્ટના વોક-વે પરથી સાબરમતી નદીમાં છલાંગ લગાવી હતી. જેથી આસપાસના લોકો તેમને બચાવવા માટે સ્થળ પર દોડી ગયા હતા. આ ઉપરાંત ફાયરબ્રિગેડની ટીમ સમગ્ર ઘટનાની જાણ થતા સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ ચારેયને બચાવી લીધા હતા. ફાયરબ્રિગેડના જવાનોએ ચારેયને તાત્કાલિક હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. પરિવારની પરિણીત દીકરીના પતિના ત્રાસથી કંટાળીને પરિવારના ચાર સભ્યોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યાનું તપાસમાં ખૂલ્યું હતું. ચારેય જણાએ સાબરમતી નદીમાં છલાંગ લગાવતા પહેલા સ્યુસાઈડ નોટ લખી હતી. આ સ્યુસાઈડ નોટ પણ પલળી ગઈ હતી. પરિણીતાએ અગાઉ તેના પતિ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી.
(PHOTO-FILE)