Site icon Revoi.in

અમદાવાદ મ્યુનિને પ્રોપર્ટી ટેક્સ યોજના ફળી, 4.50 લાખ પ્રોપર્ટીધારકોએ એડવાન્સ ટેક્સ ભર્યો

Social Share

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ,કોર્પોરેશન દ્વારા આ વર્ષે પણ એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ રિબેટ યોજના જાહેર કરવામાં આવી હતી તેને સારોએવો પ્રતિસાદ મળ્યો છે. નાગરિકો પ્રોપર્ટી ટેક્સ એડવાન્સમાં અને ઓનલાઈન ભરે તો 12 ટકા વળતર આપવાની જાહેરાત કરી છે. આ યોજનાની ચેલ્લી તા. 30મી એપ્રિલ હતી પણ નાગરિકો તરફથી સારોએવો રિસ્પોન્સ  મળતા હવે આ યોજના 31મી મે સુધી લંબાવવામાં આવી છે. છેલ્લા 22 દિવસમાં 4.50 લાખ નાગરિકોએ એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરતા મ્યુનિને 602 કરોડની આવક થઈ છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના નાગરિકો માટે એડવાન્સ પ્રોપર્ટી ટેકસ રીબેટ યોજના 31 મે સુધી લંબાવી છે. તા.8થી 30 એપ્રિલ સુધીમાં શહેરના 4.50 લાખ કરદાતાઓએ તેમનો પ્રોપર્ટી ટેકસ એડવાન્સમાં ભરતા મ્યુનિ.તંત્રને પ્રોપર્ટી ટેકસની રુપિયા 602.38 કરોડ આવક થઈ છે. પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ રુપિયા 148.26 કરોડ એડવાન્સ ટેકસ લોકોએ ભર્યો છે. એડવાન્સ પ્રોપર્ટી ટેકસ રીબેટ યોજના અંતર્ગત 30 એપ્રિલ સુધીમાં શહેરના સાત ઝોનમાંથી કુલ 4.50 લાખ કરદાતાઓએ રીબેટ યોજનાનો લાભ લેતા મ્યુનિસિપલ તંત્રને એડવાન્સ ટેકસ રીબેટ સ્કીમ ફળી છે. પશ્ચિમ ઝોન પછી ઉત્તર-પશ્ચિમ ઝોનમાં રુપિયા 142.79  કરોડ એડવાન્સ ટેકસની આવક થઈ છે. આ ઉપરાંત દક્ષિણ-પશ્ચિમ ઝોનમાંથી રુપિયા 89.04  કરોડ, મધ્યઝોનમાંથી રુપિયા 79.49  કરોડ  એડવાન્સ પ્રોપર્ટી ટેકસની આવક થઈ છે. જ્યારે ઉત્તરઝોનમાંથી રુપિયા 47.04  કરોડ, અને  પૂર્વઝોનમાંથી રુપિયા 49.10 કરોડ તથા દક્ષિણઝોનમાંથી રુપિયા 39.34  કરોડ પ્રોપર્ટી ટેકસની આવક થવા પામી હતી.