Site icon Revoi.in

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને પ્રહલાદનગરનું મલ્ટીલેવલ પાર્કિંગ વેચવા કાઢ્યું

Social Share

અમદાવાદ, 29 જાન્યુઆરી 2026:  શહેરના પોશ ગણાતા કોર્પોરેટ રોડ પરના પ્રહલાદનગર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રૂપિયા 76 કરોડથી વધુના ખર્ચે મલ્ટીલેવલ પાર્કિંગ કમ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે. હવે મ્યુનિએ કરોડોના ખર્ચે બનાવેલું મલ્ટીલેવલ પાર્કિંગ કમ કોમ્પ્લેક્સને રૂપિયા 350 કરોડમાં વેચવા કાઢ્યુ છે. વિપક્ષ કોંગ્રેસે આ મામલે ભારે વિરોધ કરીને મ્યુનિની નીતિ-રીતિની આંકરી ટીકા કરી હતી.

 શહેરમાં કરોડો રૂપિયાની કિંમતની જમીન પર પ્રજાના પૈસે એએમસી દ્વારા સુવિધા ઉભી કરવામાં આવે છે, પરંતુ બાદમાં તેવા જ બિલ્ડીંગોને હવે વેચવા પડે તેવી સ્થિતિ થઈ છે. શહેરના પોશ ગણાતા પ્રહલાદનગર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 76 કરોડથી વધુના ખર્ચે બનાવેલા મલ્ટીલેવલ પાર્કિંગ કમ કોમ્પ્લેક્સને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેચવા કાઢવામાં આવ્યું છે. આજે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં જમીન અને બિલ્ડીંગની કિંમત મળી કુલ 350 કરોડ રૂપિયાના ખર્ચે મલ્ટીલેવલ પાર્કિંગ કોમ્પલેક્ષને વેચવાની દરખાસ્ત સામે વિપક્ષે આક્ષેપ કર્યો છે કે કરોડો રૂપિયાનો ખર્ચ કરી મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું અને હવે તેને બે વર્ષમાં જ વેચવા કાઢવું પડ્યું છે. જે મ્યુનિસિપલ કોર્પોરેશનના મલ્ટીલેવલ પાર્કિંગોના અણઘડ આયોજનનો નમુનો છે.

શહેરમાં રોડ પર ટ્રાફિક સમસ્યા માટે પાર્કિંગ પણ એક કારણ છે જેથી પાર્કિંગની સમસ્યાને દૂર કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં મલ્ટીલેવલ પાર્કિંગ કમ કોમ્પ્લેક્સ બનાવી રહી છે અને પાર્કિંગ તેમજ તેની બિલ્ડીંગોમાં આવેલી ઓફિસો તેમજ દુકાનો વેચવા માટે પણ તંત્રને ફાંફા પડી રહ્યા છે. પ્રહલાદનગર મલ્ટીલેવલ પાર્કિંગની ઉપરની આવેલી દુકાનો- ઓફિસો વેચવા માટે 4 વખત ટેન્ડર કરવા છતાં કોઇ ખરીદદાર નહી મળતાં આખરે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાર્કિંગની જગ્યા સહિત તમામ મિલકત વેચવા માટે મુકી છે. જેની અંદાજિત કિંમત 350 કરોડ રૂપિયા મૂકવામાં આવી છે.

આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં પણ વિપક્ષના નેતાએ આ મુદ્દે કહ્યું હતું કે, મલ્ટી લેવલ પાર્કિંગ એક નમૂનો છે. પ્રહલાદ નગર પાર્કિંગ બે વર્ષ પહેલા બનાવવામાં આવ્યું છે. હવે પૂરું પાર્કિંગ કમ કોમ્પલેક્ષ વેચવા કાઢ્યું છે. પ્રાઇમ લોકેશન હોવા છતાં પણ કોઈ ખરીદદાર મળ્યા નથી, ત્યારે કરોડો રૂપિયાની કિંમતના આવા મલ્ટીલેવલ પાર્કિંગ કમ કોમ્પલેક્ષ વેચવા પડ્યા છે. વિપક્ષના નેતાના આક્ષેપના પગલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં કોમનવેલ્થ અને ઓલમ્પિક આવી અમદાવાદમાં આવી રહી છે. ત્યારે પાર્કિંગની સુવિધા સાથે લોકોને બિઝનેસ થાય તેના માટે આ મલ્ટીલેવલ પાર્કિંગ કમ કોમ્પલેક્ષ વેચાણમાં મૂકવામાં આવ્યું છે.

Exit mobile version