Site icon Revoi.in

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન 13 જેટલા પ્લોટ્સ વેચીને 1156 કરોડ મેળવશે

Social Share

અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના પોશ વિસ્તારોમાં આવેલા મ્યુનિની માલિકીના 13 જેટલાં કિંમતી પ્લોટ્સની હરાજી કરીને વેચી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ 13 પ્લોટ્સના વેચાણ થકી મ્યુનિ. કોર્પોરેશન રૂપિયા 1156 કરોડની આવક મેળવશે. મ્યુનિ. દ્વારા છેલ્લા બે મહિનામાં 22 જેટલા પ્લોટ વેચાણ માટે મૂકવામાં આવ્યા છે, જેમાં 10 જેટલા પ્લોટનું વેચાણ થયું હતું. 12 પ્લોટનું વેચાણ થયું ન હતું. હવે 13 પ્લોટ્સનું વેચાણ કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરનાં એસજી હાઇવે, તથા સિંધુભવન રોડ, મોટેરા, થલતેજ, શીલજ, વસ્ત્રાલ અને નિકોલ સહિતના વિસ્તારોમાં આવેલા રેસીડેન્સિયલ અને કોમર્શિયલ હેતુ માટેના કુલ 13 પ્લોટ ફરી એકવાર વેચાણ કરવાનો નિર્ણય લીધો છે. આ પ્લોટના વેચાણથી 1156 કરોડની આસપાસની આવક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઊભી કરવામાં આવશે. આગામી મહિને પ્લોટની ઓનલાઈન જાહેર હરાજી કરાશે. સૌથી મોંઘો પ્લોટ એસજી હાઇવે પર સિંધુભવન પાસે મેંગો હોટલની પાછળ આવેલો છે. પ્લોટના બે ભાગ કરવામાં આવ્યા છે. સિંધુ ભવન રોડ ઉપર પ્રતિ ચોરસ મીટર જમીનનો ભાવ 2.52 લાખ રૂપિયા છે, જે મુજબ બંને પ્લોટની કુલ કિંમત રૂપિયા 333 કરોડ છે. આ તમામ પ્લોટ બે વખત ઓનલાઈન વેચાણ માટે મૂકવામાં આવ્યો છે, પરંતુ કોઈ બિલ્ડર કે કંપની દ્વારા પ્લોટ લેવામાં આવ્યો નથી.

એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી, ગટર, રોડ, લાઇટ, સ્ટોર્મ વોટર લાઇન, બાગ બગીચા, લાયબ્રેરી, સિવિક સેન્ટર, ફાયર સ્ટેશન વગેરે માળખાકીય સુવિધા પૂરી પાડવા. તેમજ વિકાસનાં કાર્યો કરવા ટીપી સ્કીમ અંતર્ગત પ્રાપ્ત થયેલા કોમર્શિયલ અને રેસિડેન્સિયલ હેતુના પ્લોટને વેચાણ કરવામાં આવતાં હોય છે. છેલ્લા બે મહિનામાં 22 જેટલા પ્લોટ વેચાણ માટે મૂકવામાં આવ્યા છે, જેમાં 10 જેટલા પ્લોટનું વેચાણ થયું હતું. 12 પ્લોટનું વેચાણ થયું ન હતું, જેના પગલે ફરીથી પ્લોટો વેચાણ માટે મૂકવામાં આવ્યા છે. જાહેર હરાજી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પર 21 સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશન અને બીડ ભરી શકાશે. 27 સપ્ટેમ્બર બીડ સીલ કરવાની છેલ્લી તારીખ છે.