અમદાવાદઃ PM મોદી અને ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ માણ્યો
અમદાવાદ, 12 જાન્યુઆરી 2026: ગુજરાતની શાન સમાન ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ આ વર્ષે ઐતિહાસિક ક્ષણોનો સાક્ષી બન્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે ગાંધી આશ્રમની મુલાકાત લીધા બાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પતંગોત્સવનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો.

- મિત્રતાના રંગે રંગાયો સાબરમતી રિવરફ્રન્ટ
રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ બંને મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદીએ જર્મન ચાન્સેલરને પતંગ બનાવવાની કળા, તેના પ્રકારો અને ગુજરાતના સમૃદ્ધ ઇતિહાસ વિશે ઊંડાણપૂર્વક સમજણ આપી હતી. બંને નેતાઓએ ખુલ્લી જીપમાં સવાર થઈને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને પતંગ ચગાવીને ઉત્સવનો આનંદ માણ્યો હતો.
- હેરિટેજ પોળની થીમ અને વિરાસતનો સંગમ
આ વર્ષનો પતંગ મહોત્સવ ‘હેરિટેજ પોળ’ની થીમ પર આધારિત છે. વડાપ્રધાન મોદીએ ચાન્સેલર મર્ઝને અમદાવાદની વિશ્વ વિખ્યાત પોળ સંસ્કૃતિ, ત્યાંના મકાનોની વિશેષતા અને લોકોની રહેણીકરણી વિશે વિસ્તૃત માહિતી આપી હતી. રિવરફ્રન્ટ પર તૈયાર કરવામાં આવેલા વિશાળ ચબૂતરા અને સાંસ્કૃતિક સંગીતના કાર્યક્રમોએ વિદેશી મહેમાનોનું મન મોહી લીધું હતું. સાબરમતીના તટે આયોજિત આ મહોત્સવે માત્ર મનોરંજન જ નહીં, પરંતુ ભારત અને જર્મનીના રાજદ્વારી સંબંધોમાં પણ એક નવી ઉર્જા પૂરી છે.
આ પણ વાંચોઃઅમદાવાદ: નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલરે ગાંધી આશ્રમની મુલાકાત લીધી


