અમદાવાદઃ હરિયાણામાં એક કેસની તપાસ માટે ગયેલી અમદાવાદ પોલીસના વાહનને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આ દૂર્ઘટનામાં 3 પોલીસ કર્મચારીઓના મોત થયાં હતા. જ્યારે એકને ગંભીર ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. આ દૂર્ઘટનાને પગલે અમદાવાદ પોલીસ હાલ સતત હરિયાણા પોલીસના સંપર્કમાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનની ટીમ પોક્સો કેસની તપાસ માટે લુઘિયાણા ગઈ હતી. ગુજરાત પોલીસની ટીમ ડબવાલી વિસ્તારમાં આવેલા વેડિંગ ખેડામાં એક કેસની તપાસ માટે પહોંચી હતી. તેમની ગાડી વેડિંગ ખેડા પહોંચતાં જ એક અજાણ્યા વાહન સાથે અથડાઈ ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ગાડી સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. આ દૂર્ઘટનામાં પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામિત, હોમગાર્ડ રવિન્દ્ર અને ખાનગી ડ્રાઇવર કનુભાઈ ભરવાડનું મોત થયાં હતા. જ્યારે PSI જે.પી.સોલંકી ઈજાગ્રસ્ત થયાં હતા. જેથી તેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયાં હતા. અજાણ્યા વાહન સાથે પોલીસની વાહન વહેલી સવારે સર્જાતા દૂર્ઘટના ઘટી હોવાનું જાણવા મળે છે.
આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તમામ મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં હતા. પોલીસને સ્થલ પરથી એક વાહનની નંબર પ્લેટ મળી હતી. આ નંબર પ્લેટવાળા વાહન સાથે પોલીસ વાહનનો અકસ્માત થયાનું જાણવા મળે છે. પોલીસે નંબર પ્લેટના આધારે વાહન ચાલકની શોધખોળ હાથ ધરી હતી. બીજી તરફ અકસ્માતમાં 3 પોલીસ કર્મચારીઓના નિધન થતા ગુજરાત પોલીસબેડામાં શોકનું મોજુ ફરી વળ્યું છે. બીજી તરફ અમદાવાદના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હરિયાણા જવા રવાના થયાં હતા.