
આજથી અમદાવાદ સાબરમતીમાં રેસ્ટોરન્ટ ક્રુઝસેવાનો આરંભ, ગૃહમંત્રી શાહે વીડિયો કોન્ફોરન્સના માધ્યમથી અક્ષર રિવર ક્રૂઝ નું ઉદઘાટન કર્યું
અમદાવાદઃ- આજરોજ 2જી જુલાઈના દિવસે અમદાવાદ તથા આજુબાજુના લોકોને એક મોટી ભેંટ મળી છે,ઘણા સમયથી ચર્ચામાં રહેલ ક્રુઝ સેવા કે જેનો આજથી આરંભ કરવાવામાં આવ્યો છે,કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્રારા વીડિયો કોન્ફોરન્સના માધ્યમથી આ ક્રુઝસેવાને લીલી ઝંડી બતાવાઈ હતી.
પ્રાપ્ત વિગત પ્રમાણે આ પ્રસંગે ગૃહમંત્રી શાહે કહ્યું કે સાબરમતી ‘રિવર ફ્રન્ટ’ અમદાવાદમાં સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું હબ બની ગયું છે. શાહે આ પ્રસંગે નદીમાં ‘અક્ષર રિવર ક્રૂઝ’નું ડિજિટલી ઉદ્ઘાટન કર્યું હતું.વીડિયો કોન્ફરન્સ દ્વારા લોકોને સંબોધિત કરતી વખતે શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે આવી અનેક પહેલ કરી હતી, જેના કારણે રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો હતો.
આથી વધુમાં પોતાના સંબોધનમાં અમિત શાહે કહ્યું કે જ્યારે પીએમ મોદી 1978માં અમદાવાદમાં સ્થાયી થયા ત્યારે તેઓ ક્યારેય સાબરમતી નદી જોવા ગયા ન હતા. કારણ કે તે સમયે નદીમાં માત્ર ગંદુ પાણી રહેતું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે તત્કાલિન મુખ્યમંત્રી મોદીએ પહેલીવાર ‘રિવર ફ્રન્ટ’ની કલ્પના કરી હતી. આ માટે એક યોજના બનાવવામાં આવી હતી અને તેનું નિર્માણ પણ તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે કરવામાં આવ્યું હતું. ‘રિવર ફ્રન્ટ’ માત્ર અમદાવાદમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ જાણીતું છે અને પ્રવાસનનું કેન્દ્ર બન્યું છે.