અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસઃ મુખ્ય સુત્રધાર પૈકીનો એક આતંકવાદી ઝડપાયો
અમદાવાદઃ શહેરમાં વર્ષ 2008માં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ફરાર આતંકવાદીને ક્રાઈમબ્રાન્ચે ઝડપી લીધો છે. આરોપીનો જયપુરથી ટ્રાન્સફર વોરન્ટના આધારે ધરપકડ કરવામાં આવી છે. આતંકવાદીએ શહેરના રાયપુર-ખાડિયામાં બોમ્બ પ્લાન્ટ કર્યાં હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં વર્ષ 2008માં સિરિયલ બ્લાસ્ટ થયા હતા. 20થી વધારે સ્થળો ઉપર થયેલા બોમ્બ બ્લાસ્ટમાં અનેક નિર્દોશ નાગરિકોના મોત થયાં હતા. આ કેસની અમદાવાદા ક્રાઈમબ્રાન્ચે તપાસ આરંભીને ઈન્ડિયન મુઝાહીદીનના 60થી વધારે આરોપીઓને ઝડપી લીધા હતા. તેમજ હજુ ફરાર કેટલાક આતંકવાદીઓને ક્રાઈમબ્રાન્ચ શોધી રહી છે. દરમિયાન ક્રાઈમબ્રાન્ચે સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં સંડોવાયેલા સલમાન નામના આતંકવાદીની જયપુરથી ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. તેમજ તેને રાજસ્થાનથી અમદાવાદ લાવવામાં આવ્યો છે.
આ આરોપીએ બોમ્બ બ્લાસ્ટના સમગ્ર કાવતરામાં મહત્વની ભૂમિક ભજવી હતી. તેણે દાણીલીમડાની એક સોસાયટીમાં બોમ્બ મેળવ્યો હતો. તેમજ આ બોમ્બ તેણે રાયપુર-ખાડિયામાં પ્લાન્ટ કર્યો હતો. ક્રાઈમબ્રાન્ચે સલમાનની આગવી ઢબે પૂછપરછ આરંભી છે. તેની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. ક્રાઈમબ્રાન્ચે તેના રિમાન્ડ મેળવવાની કવાયત આરંભી છે.