અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં બે વિદેશી બાળકોની અત્યંત જટિલ બ્લેડર એસ્ટ્રોફીની સફળ સર્જરી
અમદાવાદ: સિવિલ હોસ્પિટલે ફરી એક વખત મેડિકલ ટુરીઝમનું શ્રેષ્ઠતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે વિદેશી બાળકોની બ્લેડર એસ્ટ્રોફી એટલે કે પેશાબની કોથળીમાં સમસ્યા હોય તેની સફળ સર્જરી કરીને બાળકોને પીડા મુક્ત કરાયા છે. બંને કિસ્સાની વિગતો જોઇએ તો, બાંગ્લાદેશના રાજીબ દાસની 3 વર્ષની દીકરી પ્રિયા ગોપિકા દાસને બ્લેડર એક્સસ્ટ્રોફીની તકલીફ હોવાનું નિદાન થયું હતું. જેના માટે દર્દીના જન્મ સમયે બાંગલાદેશ ખાતે હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. કમનસીબે એ શસ્ત્રક્રિયા નિષ્ફળ ગઈ અને પરિણામે પ્રિયાના મૂત્રાશયનો ભાગ પેટની ઉપર ફરીથી ખુલ્લો થઇ ગયો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જાન્યુઆરી 2024માં યોજાયેલા બ્લેડર એક્સ્ટ્રોફી કેમ્પ દરમિયાન મોન્સપ્લાસ્ટી અને વાય-વી વેજીનોપ્લાસ્ટી સાથે ફરીથી બ્લેડર એક્સ્ટ્રોફી રિપેર કરાવી હતી. તેણીનો પોસ્ટઓપરેટિવનો સમય કોઇ તકલીફ વગર રહેતા અંતે રજા આપવામાં આવી હતી.
આ ઉપરાંત સાઉથ આફ્રીકાના કેન્યાના લ્યુસીનીની 1.5 વર્ષની દીકરી સ્ટેલાને પણ બ્લેડર એક્સસ્ટ્રોફી માટે 2 મહિનાની ઉંમરે ઓપરેશન કરવામાં આવ્યું હતું પરંતુ તે નિષ્ફળ ગયું હતું. અંતે દર્દીના માતા-પિતાને સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં પીડીયાટ્રીક સર્જરી વિભાગ ખાતે થતા બ્લેડર એક્સ્ટ્રોફી ઓપરેશન વિશે ખબર પડતા સાત સમુદ્ર પાર કરી સ્ટેલાને તેની માતા લ્યુસી અમદાવાદ સીવીલ હોસ્પિટલ લઇને આવ્યા. સ્ટેલાને પણ જાન્યુઆરી 2024 માં અમદાવાદ ખાતે બ્લેડર એક્સસ્ટ્રોફી ઓપરેશનના કેમ્પમાં સિવિલ હોસ્પિટલ અમદાવાદના પીડીયાટ્રીક સર્જરી વિભાગના અને આંતરરાષ્ટ્રીય ડોક્ટરોની ટીમ દ્વારા તેણીનુ ફરીથી બ્લેડર એક્સસ્ટ્રોફી રીપેર સાથે મોન્સપ્લાસ્ટી અને વાય-વી વજાઇનોપ્લાસ્ટીનુ સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યુ. પ્રિયાને પોસ્ટઓપરેટિવ સમયગાળામાં કોઈપણ તકલીફ ન થતા અંતે રજા આપવામાં આવી હતી.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી જણાવે છે કે, બ્લેડર એસ્ટ્રોફી સર્જરી એ અત્યંત જટિલ કહી શકાય તે પ્રકારની છે .જેમાં બાળકોને જન્મજાત પેશાબની કોથળીમાં કોઈપણ પ્રકારની તકલીફ હોવાના કારણે આ પ્રકારની સર્જરી કરવી પડે છે . આ બ્લેડર એસ્ટ્રોપી સર્જરી લગભગ 8 થી 10 કલાક ચાલે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર વર્ષે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી માસ દરમિયાન આ પ્રકારનું આંતરરાષ્ટ્રીય વર્કશોપ કરવામાં આવે છે જેમાં વિભિન્ન દેશોમાંથી આ પ્રકારની તકલીફો ધરાવતા બાળકો સર્જરી માટે આવે છે. જેમાં કેન્યા અને બાંગ્લાદેશના બાળકોની અગાઉ તેમના દેશમાં સર્જરી કરાઇ. અમદાવાદ સિવિલ હોસ્પિટલફરી એક વખત મેડિકલ ટુરીઝમનું શ્રેષ્ઠતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

