![અમદાવાદઃ ઓસ્ટ્રેલિયા-ભારત ટેસ્ટને લઈને ખાલિસ્તાનની ધમકી, સુરક્ષામાં વધારો કરાયો](https://www.revoi.in/wp-content/uploads/2023/03/narendra-modi-stadium-RevoiIndia.jpg)
અમદાવાદઃ ઓસ્ટ્રેલિયા-ભારત ટેસ્ટને લઈને ખાલિસ્તાનની ધમકી, સુરક્ષામાં વધારો કરાયો
અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે, દરમિયાન ખાલિસ્તાની આતંકવાદીઓએ આ ટેસ્ટ ક્રિકેટ મેચને લઈને ધમકી આપવામાં આવી હતી. જેથી ગુજરાત પોલીસ તંત્ર એક્ટિવ બન્યું છે. તેમજ સ્ટેડિયમમાં પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. એટલું જ નહીં ATS, SOG અને ક્રાઈમ બ્રાંચ સહિતની સુરક્ષા એજન્સીઓએ સર્વેલન્સ વધારી દીધું છે. આ ઉપરાંત બંને દેશના ખેલાડીઓની સુરક્ષામાં પણ વધારો કરાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ખાલિસ્તાનાની આતંકી ગુરપરવંતસિંહનો ધમકી ભર્યો વીડિયો મેસેજ વાયરલ થયો છે. જેમાં ગુરપરવંતસિંહે જણાવ્યું હતું કે, ગુજરાતીઓ મેચ ન જોવા જતા, તેમજ ઘરમાં રહો સુરક્ષિત રહેવાની ધમકી આપી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ટ્રેસ કરીને તેની જાણવાજોગ નોંધ કરી છે. ખાલિસ્તાનની ધમકીને પગલે અમદાવાદ ક્રાઈમબ્રાન્ચ, એટીએસ સહિતની સુરક્ષા એજન્સી સક્રિય થઈ છે. પોલીસે શહેરમાં પેટ્રોલીંગ અને સઘન વાહન ચેકીંગ તેજ કર્યું છે. આ ઉપરાંત ક્રિકેટ મેચ જોવા આવતા દર્શકો અને બંને ટીમના ખેલાડીઓની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં ખાલિસ્તાની આતંકવાદીઓ ફરીથી માથુ ઉચકવાનો પ્રયાસ કરી રહ્યાં છે, જો કે, ભારતીય સુરક્ષા એજન્સીઓએ આતંકવાદી પ્રવૃતિઓને ડામવા માટે અભિયાન હાથ ધર્યું છે.