
ગરીબોને મદદ કરવાનો ઈદારો ધર્મ પરિવર્તનનો ના હોવો જોઈએઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ફરી એકવાર ગેરકાયદે ધર્માંતરણ પર આકરી ટીપ્પણી કરી છે. પૈસા, ખોરાક અથવા દવાની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરનારાઓને ખોટા ગણાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જે કોઈ ગરીબ અને જરૂરિયાતમંદોને મદદ કરવા માંગે છે તેમણે મદદ કરવી જોઈએ. પરંતુ તેની પાછળનો હેતુ ધર્મ પરિવર્તનનો ના હોવો જોઈએ.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર.શાહની આગેવાની હેઠળની બે જજની બેંચ દબાણ, છેતરપિંડી અથવા લાલચ દ્વારા ધર્મ પરિવર્તન સામે કડક કાયદો બનાવવાની માંગ પર સુનાવણી કરી રહી છે. ગત સુનાવણીમાં કોર્ટે આ રીતે ધર્મ પરિવર્તનને દેશની સુરક્ષા માટે ખતરનાક ગણાવ્યું હતું. કેન્દ્ર પણ આ સાથે સહમત છે અને કહ્યું છે કે 9 રાજ્યોએ તેની વિરુદ્ધ કાયદો બનાવ્યો છે. કેન્દ્ર પણ જરૂરી પગલાં લેશે.
સોલિસિટર જનરલે કહ્યું, “ધર્મ પરિવર્તનના મામલાઓની તપાસ કરવા માટે એક સમિતિ હોવી જોઈએ, જે નક્કી કરશે કે શું ખરેખર હૃદય પરિવર્તન થયું છે કે પછી લાલચ અને દબાણમાં ધર્મ બદલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.” કોર્ટે કેન્દ્ર સરકારને અન્ય રાજ્યોની માહિતી એકત્ર કર્યા બાદ સોગંદનામું આપવા જણાવ્યું હતું. આજે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ માટે થોડો વધુ સમય માંગ્યો હતો. આના પર કોર્ટે સોમવારે 12 ડિસેમ્બરે સુનાવણી કરવાનું કહ્યું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, તે તમામ રાજ્યોને નોટિસ જારી કરીને જવાબ માંગશે નહીં, કારણ કે આ બાબતને બિનજરૂરી રીતે લંબાવશે. જો કોઈ પણ રાજ્ય પોતાની વાત રજૂ કરવા ઈચ્છે તો તે કરી શકે છે.