નવી દિલ્હી, 14 ઓક્ટોબર 2026: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર એકવાર ફરી ચિંતાજનક સ્તરે પહોંચી ગયું છે. વાતાવરણમાં હાનિકારક પ્રદૂષક કણો જમા થવાના કારણે દિલ્હી તેમજ નોઈડા અને ગાજિયાબાદના અનેક વિસ્તારોમાં હવા ગુણવત્તા સૂચકાંકખૂબ જ ખરાબ અને જોખમી શ્રેણીમાં નોંધાયો છે. હવા ઝેરી બનવાને કારણે લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી અને આંખોમાં બળતરા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
દિલ્હી, નોઈડા અને ગાજિયાબાદના મોટાભાગના વિસ્તારોમાં હવાની ગુણવત્તા ‘ખરાબ’થી ‘ગંભીર’ શ્રેણીમાં પહોંચી ગઈ છે, જેના કારણે દ્રશ્યતા પર પણ અસર પડી છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર, આજે દિલ્હી-NCRમાં વાદળછાયું વાતાવરણ રહેવાની અને મહત્તમ તાપમાન આશરે 34 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે.
રાહતના સમાચાર એ છે કે હવામાન વિભાગે આગામી 15 અને 16 ઓક્ટોબરે ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી છે. વિશેષજ્ઞોના મતે, જો આગામી દિવસોમાં ધાર્યા મુજબ વરસાદ પડશે તો વાતાવરણમાં જમેલા પ્રદૂષક કણો ધોવાઈ જશે અને પ્રદૂષણમાં ઘટાડો થવાથી લોકોને શુદ્ધ હવામાં રાહત મળશે. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય વિશેષજ્ઞોએ બાળકો, વયોવૃદ્ધો અને શ્વાસના દર્દીઓને ઘરની બહાર નીકળતી વખતે સાવચેતી રાખવા અને માસ્કનો ઉપયોગ કરવા સલાહ આપી છે.


