મુંબઈઃ સત્તર વર્ષ બાદ માલેગાંવ 2008 બોમ્બ વિસ્ફોટ કેસમાં NIAની વિશેષ અદાલતે આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો. જેમાં સાધ્વી પ્રજ્ઞા સહિત તમામ આરોપીને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. વિશેષ અદાલતે 19 એપ્રિલે તર્કવિતર્ક અને અંતિમ દલીલો પૂર્ણ કર્યા બાદ ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે, કેસમાં એક લાખથી વધુ પાનાઓના પુરાવા અને દસ્તાવેજો હોવાથી, ન્યાયપૂર્ણ નિર્ણય માટે વધુ સમયની જરૂર હતી.
આ કેસમાં સાત આરોપીઓ સામે ટ્રાયલ ચાલી રહ્યો હતો, જેમાં લે. કર્નલ પ્રસાદ પુરૂહિત, પૂર્વ ભાજપ સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુર અને નિવૃત્ત મેજર રમેશ ઉપાધ્યાય સહિતના આરોપીનો સમાવેશ થતો હતો. આ તમામને યુએપીએ (UAPA) અને ભારતીય દંડ સંહિતા (IPC)ની વિવિધ કલમો હેઠળ આરોપી બનાવવામાં આવ્યા હતા. જે તમામ આરોપીને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. 29 સપ્ટેમ્બર 2008ના રોજ મહારાષ્ટ્રના માલેગાંવમાં, રમઝાનના પવિત્ર મહિનામાં અને નવરાત્રિ પૂર્વે એક જોરદાર વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં છ લોકોએ જીવ ગુમાવ્યો અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.
એક દસકાની તપાસ દરમિયાન અભિયોજક પક્ષે 323 સાક્ષીઓની પુછપરછ કરી, જેમાંથી 34 સાક્ષીઓએ પોતાના પહેલાના નિવેદન બદલી નાંખ્યા, આ કેસની પ્રાથમિક તપાસ મહારાષ્ટ્ર ATS દ્વારા કરવામાં આવી હતી, પણ 2011માં તપાસ NIAને સોંપવામાં આવી. 2016માં, NIAએ પુરાવાની અછતનો ઉલ્લેખ કરીને પ્રજ્ઞા ઠાકુર સહિત કેટલાક આરોપીઓને ક્લીન ચિટ આપતા ચાર્જશીટ દાખલ કરી હતી.