
જમ્મુ-કાશ્મીરમાં કોઈ પણ સમયે ચૂંટણી માટે તૈયાર, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કરી રજુઆત
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશનો રાજ્યનો દરજ્જો ક્યારે પુનઃસ્થાપિત થશે અને ચૂંટણી ક્યારે યોજાશે? આ અંગે સરકારે સુપ્રીમ કોર્ટમાં જવાબ આપ્યો છે. કલમ 370 નાબૂદીને પડકારતી અરજીઓ પર સુનાવણી દરમિયાન કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં કોઈપણ સમયે ચૂંટણી થઈ શકે છે. નિર્ણય ચૂંટણી પંચ અને રાજ્ય ચૂંટણી એકમ પર નિર્ભર છે.
કેન્દ્રએ વધુમાં કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં મતદાર યાદીને અપડેટ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, તેને પૂર્ણ થવામાં એક મહિનાનો સમય લાગશે. સરકારે એમ પણ કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશમાં સંપૂર્ણ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવામાં થોડો સમય લાગશે. કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, સરકાર જમ્મુ અને કાશ્મીરમાં કોઈપણ સમયે ચૂંટણી માટે તૈયાર છે.
સોલિસિટર જનરલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ સ્તરે ચૂંટણી યોજાશે – પ્રથમ પંચાયત સ્તરે, બીજી મ્યુનિસિપલ સંસ્થા અને પછી વિધાનસભા ચૂંટણી. સોલિસિટર જનરલે કહ્યું કે લદ્દાખ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ, લેહની ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે અને આવતા મહિને કારગીલમાં ચૂંટણી યોજાશે. જો કે કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે તે જમ્મુ અને કાશ્મીરના રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા માટે સ્પષ્ટ સમયરેખા આપવામાં અસમર્થ છે, પરંતુ તેણે સ્પષ્ટ કર્યું કે કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો અસ્થાયી છે. કેન્દ્રનું કહેવું છે કે તેને સંપૂર્ણ રાજ્ય બનાવવા માટે પ્રક્રિયા ચાલી રહી છે.
વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કલમ 370 નાબૂદ કરવા વિરુદ્ધ અરજીકર્તાઓમાંથી એક માટે હાજર થઈને સુપ્રીમ કોર્ટને કહ્યું, ‘સરકારે 5,000 લોકોને નજરકેદમાં રાખ્યા હતા, કલમ 144 લાગુ કરવામાં આવી હતી. ઈન્ટરનેટ બંધ હતું અને લોકો હોસ્પિટલોમાં પણ જઈ શક્યા ન હતા… લોકશાહીની મજાક ન કરવી જોઈએ અને બંધની વાત ન કરવી જોઈએ.