
અમદાવાદ મ્યુનિ.માં ટેન્ડરથી કામ સસ્તું પડતું હોવા છતાં રોડના કામમાં માનીતાને લાભનો આક્ષેપ
અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનમાં ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠતી રહે છે. મ્યુનિ.ના રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી દ્વારા શહેરમાં પેવર બ્લોક નાખવા, આરસીસી રોડ સહિતના કોર્પોરેટ, ધારાસભ્યોના બજેટમાંથી થતાં કામોમાં ટેન્ડર મગાવી માત્ર એક જ કોન્ટ્રાક્ટરને કામ અપાતા હોવાની ફરિયાદો ઉઠી છે.પેવર અને આરસીસીના રોડના કામમાં મળતીયાઓને લાભ કરાતો હોવાના પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીની બેઠકમાં લાંબા સમયથી એમ પેનલના નામે મળતિયાઓને સાચવી લેવાના કૌભાંડના આક્ષેપ કરી ભાજપના જ સભ્યોએ જ હોબાળો મચાવ્યો હતો.એવો પણ આક્ષેપ કરાયો હતો કે, પેનલમાં કાર્ટેલ રચીને જ કોન્ટ્રાક્ટરો દ્વારા ઊંચા ભાવ લેવામાં આવે છે. કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈએ કહ્યું, વધુ કોન્ટ્રાક્ટર એક સાથે કામ કરે તો ઝડપી પૂરું થતું હોવાથી એમ પેનલ કામને મંજૂરી આપવામાં આવે છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરમાં કોઈપણ વિકાસ કામનો અંદાજ નક્કી કરે તે પછી આ અંદાજને આધારે ટેન્ડર મંગાવવામાં આવે છે. જેટલા ટેન્ડર આવે તેમાં સૌથી ઓછી કિંમતનું ટેન્ડર ભરનારને કોન્ટ્રાક્ટથી કામ આપવાની પ્રથા હોવા છતાં મળતિયાઓને કામ આપવામાં આવી રહ્યા છે. કામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવે છે. જોકે તેમાં એવી શરત હોય છે કે, જેટલા પણ કોન્ટ્રાક્ટર ટેન્ડર ભરે તે તમામ કોન્ટ્રાક્ટર જો તેઓ આ ટેન્ડરમાં આવેલા લોએસ્ટ બીડથી કામ કરવા તૈયાર હોય તો તે તમામને કોન્ટ્રાક્ટરની ફાળવણી થાય છે. શહેરના પૂર્વ ઝોનમાં પેવર બ્લોક અને આરસીસી રોડના કામો એમ પેનલ મારફતે આપવામાં આવ્યા છે. જેમાં 25 જેટલા કોન્ટ્રાક્ટરને અલગ અલગ કામો અપાયા હતા. સરસપુર રખિયાલ વોર્ડમાં આવા જ કામ અંદાજિત ભાવ કરતાં 40 ટકા સુધી ઓછા આવ્યા છે. લોએસ્ટ બીડરને કોન્ટ્રાક્ટ આપવાની પદ્ધતિ અપનાવી હોત તો મ્યુનિ.ને મોટો ફાયદો થયો હતો.